ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં વિદ્યાર્થીઓને તમામ સેવા વિનામૂલ્યે અપાશે
- વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રજિસ્ટ્રેશન અને પાઠ્ય-પુસ્તકો અપાશે,
- શાળા છોડી જનારા બાળકો માટે શિક્ષણ વિભાગનું આયોજન,
- માર્ચ, 2024માં ઓપન સ્કૂલ અંતર્ગત 58,204 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા
ભાવનગરઃ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. ઘણા બાળકો અધવચ્ચેથી જ શાળા છોડી દેતા હોય છે. આવા બાળકો ફરીવાર ઓપન સ્કૂલ દ્વારા શિક્ષણ મેળવે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ કારણોસર શાળા છોડીને જતા બાળકોની ઉંમર,સમય કે સ્થળના બાધ સિવાય અધુરુ શિક્ષણ પુરુ કરવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની રચના કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ના અમલીકરણ માટે દરેક જિલ્લામાં એક એક નોડેલ અધિકારી અને તાલુકા દીઠ ઓછામાં ઓછું એક સ્ટડી સેન્ટર નિયત કરવામાં આવ્યું છે. ઓપન સ્કૂલમાં રજિસ્ટ્રેશનની માટે કોઇ ફી લેવાશે નહી અને અભ્યાસ માટે પણ તમામ સેવા વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલને સારો રિસપોન્સ મળી રહ્યો છે. ઓપન સ્કૂલમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને તમામ સેવા મફતમાં આપવામાં આવે છે. માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને ધોરણ 10 તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધો.11 અને ધો.12માં વિદ્યાર્થીઓ રજિસ્ટેશન કરાવી શકે છે. શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહનો અભ્યાસ કરવા ઈચ્છુક હોય તેવા તથા કદી શાળાએ ન ગયા હોય તેવા અથવા શાળામાં દાખલ થયા પછી અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય એવા વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે વિદ્યાર્થીઓએ પોતાના રહેણાંકથી નજીક આવેલી કોઈપણ સરકારી કે અનુદાનિત શાળાનો સંપર્ક કરવાનો રહેશે. માર્ચ, 2024માં ધો.10 અને ધો.12 સા.પ્ર.ની બોર્ડની પરીક્ષા લેવાઇ તેમાં ઓપન સ્કૂલના કુલ 58,204 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સ્ટેટ ઓફ સ્કૂલમાં રજીસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો અને ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી દ્વારા ઉપલબ્ધ કરાયેલ G-Shala સહિત તમામ વિના મૂલ્ય પૂરું પાડવામાં આવશે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રનું પરિરૂપ અને વિષય માળખું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમિત વિદ્યાર્થીઓ માટે અમલમાં હોય તે મુજબનું રહેશે અને તેમની પરીક્ષા શિક્ષણ બોર્ડના નિયમિત વિદ્યાર્થીઓની સાથે જ લેવામાં આવશે. ધો.9થી ધો.12માં નોંધણી કરાવવા માટે વિદ્યાર્થીએ પોતાના રહેણાંકની નજીક આવેલી કોઇ પણ સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે. તેની નોંધણીની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે.વધુ વિગત www.ssagujarat.org પોર્ટલ પરથી મળી રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રજિસ્ટ્રેશન માટે ધો.9માં જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ 13 વર્ષ પૂર્ણ કર્યા હોય, ધો.10 માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ 14 વર્ષ પૂર્ણ કર્યા હોય, ધો.11 સામાન્ય પ્રવાહ માટે ધો.10 પાસ તેમજ ધો.12 સામાન્ય પ્રવાહ માટે ધો.10 પાસ કર્યા બાદ બે વર્ષ જેટલો સમયગાળો પસાર થતો હોય તેવા વિદ્યાર્થી પ્રવેશ લાયક ગણાશે.