તમામ ન્યાયાધીશો પૅન્શન અને સેવાનિવૃત્ત લાભ મેળવવાના હકદાર :સર્વોચ્ચ અદાલત
નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું કે, અધિક ન્યાયાધીશો સહિત વડી અદાલતોના તમામ ન્યાયાધીશો સંપૂર્ણ પૅન્શન અને સેવાનિવૃત્ત લાભ મેળવવાના હકદાર છે. સર્વોચ્ચ અદાલતે આજે કહ્યું, અદાલતોના પૂર્વ મુખ્ય ન્યાયાધીશોને પૅન્શન તરીકે દર વર્ષે 15 લાખ રૂપિયા મળશે. આ આદેશનું પાલન નહીં થાય તો તેને બંધારણના અનુચ્છેદ 14 હેઠળ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ગણવામાં આવશે.
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઈ અને ન્યાયમૂર્તિ ઑગસ્ટીન જ્યૉર્જ મસીહની પીઠે કહ્યું, ન્યાયાધીશોની નિમણૂક ગમે તે સમયે થઈ હોય અને તેઓ અધિક ન્યાયાધીશ તરીકે સેવાનિવૃત્ત થયા હોય કે પછી કાયમી થયા હોય એ તમામને પૅન્શન અપાશે.
ન્યાયાલયે જણાવ્યું, ન્યાયાધીશોમાં તેમની નિમણૂકનો સમય અથવા તેમના પદના આધારે ભેદભાવ કરવો એ મૂળ અધિકારોનું ઉલ્લંઘન ગણાશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું, વડી અદાલતના દિવંગત અધિક ન્યાયાધીશોના પરિવારજનોને પણ કાયમી ન્યાયાધીશોના પરિવારજનોની જેમ સમાન પૅન્શન અને સેવાનિવૃત્ત લાભ મળશે.