પાક.ના સંભવિત હુમલા સામે ગુજરાતમાં એલર્ટ, અમદાવાદથી વિદેશ જતી 6 ફ્લાઈટ રદ કરાઈ
- અમદાવાદમાં મોડી રાત સુધી ધમધમતા ફૂડકોર્ટ વહેલા બંધ કરાવાયા
- એરપોર્ટ પર પ્રવાસીઓના લગેજની બેવાર તપાસ કરવાની સૂચના
- અમદાવાદથી ભૂજ જતી નમો ભારત રેપિડ ટ્રેનને આદિપુરમાં જ રોકી દેવાઈ,
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતમાં એલર્ટ અપાયુ છે. ત્યારે અમદાવાદથી વિદેશ જતી અડધો ડઝન જેટલી ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. અમદાવાદના સરદાર પટેલ પર સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ સંભવિત ઈમરજન્સી સ્થિતિને પહોચી વળવા એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના કચ્છ, બનાસકાંઠાના સરહદી ગામોમાં રાત્રે બ્લેકઆઉટ જાહેર કરીને ગ્રામજનોને ઘર બહાર ન નિકળવાની સુચના આપવામાં આવી છે. તેમજ અમદાવાદથી ભૂજ જતી નમો ભારત રેપિડ ટ્રેનને અધવચ્ચે આદિપુરમાં જ રોકી દેવાઈ હતી. આ સાથે અમદાવાદ શહેર પોલીસ અને પોલીસની તમામ એજન્સીઓ તેમજ તમામ ઈમરજન્સી સેવાઓને સ્ટેન્ડ ટુ કરી દેવાઈ હતી. શહેરમાં મોડી રાત સુધી ધમધમતા ખાણી પીણી બજાર તેમજ વાહનોની ચહેલ પહેલ વાળા મોટા ભાગના રસ્તા ઉપર સન્નાટો જોવા મળ્યો હતો.
પાકિસ્તાને ગુરુવારે રાતે ડ્રોનથી કરેલા હુમલામાં ડ્રોન કચ્છ બોર્ડર સુધી આવ્યા હતા. જેના કારણે ગુજરાતના તમામ જિલ્લા શહેરોને એલર્ટ કરી દેવાયા હતા. જ્યારે તકેદારીના ભાગ રુપે અમદાવાદ પોલીસને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી હતી. અમદાવાદમાં પોલીસની તમામ એજન્સીને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવાઈ હતી. આ સાથે ફાયર બ્રિગેડના સ્ટાફ, 108 ની ટીમોને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી હતી. અમદાવાદ સહિત મહાનગરોમાં સિવિલ હોસ્પિટલ, 108 તેમજ તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ પર રહેવાની સૂચના આપી છે. રાજ્યના આરોગ્ય કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર કરતી પ્રતિદિન 18 ફ્લાઈટો રદ કરાઈ છે જેમાં શ્રીનગર, જમ્મુ, ચંડીગઢ, જોધપુર, અમૃતસર, ભૂજ, કેશોદ એમ જુદાજુદા સેક્ટરની ફલાઇટોનો સમાવેશ થાય છે. તમામ ફ્લાઇટો આગામી 10 મે સુધી રદ કરી દેવાઇ છે. એરલાઇને ફલાઇટ કેન્સલેશનનો પેસેન્જરોને મેસેજ અને ફોન કરી જાણ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ અમદાવાદ એરપોર્ટને હાઈ એલર્ટ પર મૂક્યું છે. પેસેન્જરનું ફ્લાઈટમાં બેસતા પહેલા અને લગેજ બે વખત ચેક થશે. ટર્મિનલમાં મુલાકાતીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. પેસેન્જરોને 3 કલાક વહેલા પહોંચવા આદેશ કરાયો છે.
સંભવિત યુદ્ધની સ્થિતિને કારણે અમદાવાદમાં રાત્રિના સમયે મુખ્ય હોટલ, કાફે અને ક્લબ પણ સમય કરતાં વહેલા બંધ કરવામાં આવ્યા હતા. જેનું કારણ લોકોની સલામતીને ધ્યાનમાં રાખી ભીડ ન થાય તેવું હતું. ઉપરાંત શહેરની દરેક મોટી ક્લબ દ્વારા મોડી રાત્રે અન્ય એમેનિટી બંધ રાખવામાં આવી હતી.જ્યારે ક્લબના રેસ્ટોરાં પણ સમયથી પહેલા બંધ કર્યા હતા. રાત્રે 11 વાગ્યા બાદ જે રાત્રી બજારોમાં લોકોની ભીડ રહે છે ત્યાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.