અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને વર્ષ 2024નું વર્ષ ન ફળ્યું, વ્યાપક મંદીનો સામનો કરવો પડ્યો
- છેલ્લા 10 વર્ષમાં 2024ના વર્ષે સૌથી ઓછા શીપ ભંગાવવા માટે આવ્યા
- અલંગ સાથે જોડાયેલા અન્ય ઉદ્યોગોને પણ મંદીમો માર સહન કરવો પડ્યો
- ડોલર સામે રૂપિયો તૂટતા જહાંજ ખરીદવા મોંઘા પડે છે
ભાવનગરઃ અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગ છેલ્લા બે-ત્રણ વર્ષથી મંદીમાં સપડાયો છે. જેમાં 2024નું વર્ષ શીપ બ્રેકિંગ ઉદ્યોગ માટે સૌથી કપરૂ રહ્યુ છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે એટલે કે 2024ના વર્ષમાં સૌથી ઓછા જહાંજ ભંગાવવા માટે આવ્યા છે. શિપ રીસાયકલિંગ વ્યવસાય મહામંદીમાંથી પસાર થઇ રહ્યો છે. શિપ બ્રેકિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય ઉદ્યોગો પણ મંદીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતનો મહત્વનો અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ હાલ વ્યાપક મંદીના વમળોમાં ફસાયો છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં અલંગમાં ભંગાવવા માટે આવતા જહાંજમાં ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2022માં 141, 2023માં 137 અને 2024 દરમિયાન 109 શિપ જ અલંગમાં ભંગાવવા માટે આવ્યા હતા. વૈશ્વિક બજારમાં જહાજોના નૂર દરમાં અસામાન્ય રીતે આવેલા ઉછાળ બાદ જહાજના માલીકો જહાજના આયુષ્ય પૂર્ણ થઇ ચૂક્યા હોય તેવા અને આયુષ્યના અંત નજીક હોય તેવા જહાજોને સામાન્ય મરામત કરાવી ઓપરેશનમાં ચાલુ રાખે છે. તેના લીધે અલંગમાં ભંગાણાર્થે આવતા જહાજોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો છે. બીજી તરફ હોંગકોંગ કન્વેન્શન સહિતના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની કામગીરી કરવા માટે અગાઉની સરખામણીએ પ્રતિ જહાજ વધુ સમય લાગી રહ્યો છે.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલરની સામે ભારતીય ચલણ રૂપિયાનું સતત અવમુલ્યન થતુ જાય છે, અને તેની અસર પણ જહાજની ખરીદી પર પડી રહી છે. તેમજ પડોશી દેશોમાં હજુપણ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની શિપબ્રેકિંગ કામગીરી થઇ રહી નહીં હોવાને કારણે તેઓની પડતર કિંમત અલંગની સરખામણીએ ઘણી ઓછી હોવાથી નફાકારક્તા વધુ હોય છે.
આ અંગે શીપ રીસાયકલીંગ ઈન્ડ.એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં શિપ બ્રેકિંગ વ્યવસાયમાંથી નિકળતા લોખંડનો સળીયા, ચેનલ, પટ્ટી, પાટા બનાવવા માટે કોઈ અવરોધ નડતો નથી. જ્યારે ભારતમાં બ્યૂરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)નો કાયદો શિપ રીસાયકલિંગ વ્યવસાયને નડી રહ્યો છે. યુક્રેન-રશિયા અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન એમ બે યુધ્ધની સ્થિતિથી રાતા સમુદ્ર, સુએઝ કેનાલ, પનામા કેનાલ જેવા ટુંકા જળ માર્ગને બદલે જહાજોને લાંબા રૂટ લેવા પડે છે, પરિણામે જહાજોની પડતર કિંમત વધી જાય છે. આમ અલંગની શીપ બ્રેકિંગ ઉદ્યોગની મંદી માટે અનેક કારણો જવાબદાર છે.