પેડમેન ફિલ્મમાં અક્ષય કુમાર ફિલ્મ નિર્માત્રી ટ્વિંકલ ખન્નાની પ્રથમ પસંદગી ન હતા
અક્ષય કુમાર આજે ભલે જ સમાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મો માટે જાણીતા હોય, પરંતુ તેમના હોમ પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘પેડમેન’માં કામ કરવું તેમના માટે સહેલું નહોતું. આ ખુલાસો ખુદ અક્ષય કુમારે તેમની પત્ની અને ફિલ્મની નિર્માત્રી ટ્વિંકલ ખન્ના સાથે ચેટ શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ દરમિયાન કર્યો હતો. ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું કે ‘પેડમેન’ માટે અક્ષય તેમની પ્રથમ પસંદગી નહોતા, અને અક્ષયને પોતે જ તેમને તથા ડિરેક્ટરને મનાવવા પડ્યા હતા કે તેમને ફિલ્મમાં કેમ લેવા જોઈએ.
જ્યારે શોની સહ-સંચાલિકા કાજોલએ અક્ષય કુમારને પૂછ્યું કે, એક્શન હીરો હોવા છતાં તેમણે ‘ઓહ માય ગોડ’, ‘ટોયલેટ: એક પ્રેમ કથા’ જેવી સમાજિક સંદેશાવાળી ફિલ્મો બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? ત્યારે અક્ષયે કહ્યું, “આ બધું ત્યારે શરૂ થયું જ્યારે મેં ખુદ ફિલ્મો પ્રોડ્યુસ કરવી શરૂ કરી. ‘ટોયલેટ: એક પ્રેમ કથા’, ‘પેડમેન’ કે ‘એરલિફ્ટ’ હોય, હું હંમેશા એવી ફિલ્મો બનાવા માગતો હતો જે સમાજને કોઈ સંદેશ આપે. મેં પહેલાથી નક્કી કર્યું હતું કે જ્યારે મારી પાસે પૂરતા પૈસા આવશે, ત્યારે હું આવી જ ફિલ્મો બનાવિશ.”
ટ્વિંકલ ખન્નાએ આગળ જણાવ્યું કે, અક્ષય ફિલ્મોમાં મોટું જોખમ લેવા થી ડરતા નથી. તેમણે કહ્યું, “જ્યારે અમે ‘પેડમેન’ બનાવી રહ્યા હતા, ત્યારે અક્ષય અમારી પહેલી પસંદ નહોતા. હું તે વખતે માત્ર આ વાર્તા લખી રહી હતી અને મારો કોઈ બીજો એક્ટર લેવાનો વિચાર હતો.” ટ્વિંકલના આ ખુલાસા પર અક્ષય હસીને બોલ્યા, “મારે મારી જ પત્નીને મનાવવી પડી કે મને આ ફિલ્મમાં લઈ લો.”
અક્ષયે જણાવ્યું કે તેમણે માત્ર ટ્વિંકલને જ નહીં, પરંતુ ફિલ્મના ડિરેક્ટર આર. બાલ્કીને પણ મનાવ્યા હતા. હસતા હસતા તેમણે કહ્યું, “મેં ઓડિશન તો આપ્યું નહોતું, પણ ખૂબ સમજાવવું પડ્યું.” ટ્વિંકલે ઉમેર્યું કે, અક્ષયે તેમને સમજાવ્યું હતું કે, જો તેમના જેવા મોટા સ્ટાર પોતાના હાથમાં સેનેટરી પેડ લઈને આ મુદ્દે વાત કરશે, તો લોકોની માનસિકતા અને દૃષ્ટિકોણ બદલાઈ જશે.
ફિલ્મ ‘પેડમેન’ વાસ્તવમાં સમાજ સુધારક અરુણાચલમ મુરુગનાથનના જીવન પરથી પ્રેરિત હતી, જેમણે ગ્રામ્ય વિસ્તારમાં ઓછી કિંમતમાં સેનેટરી નૅપકિન મશીન બનાવી મહિલાઓ માટે ક્રાંતિ લાવી હતી. અક્ષય કુમારનો આ નિર્ણય ‘માસ્ટરસ્ટ્રોક’ સાબિત થયો હતો. આશરે રૂ. 85 કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઑફિસ પર રૂ. 200 કરોડથી વધુનો ધમાકેદાર બિઝનેસ કર્યો હતો.