અંબાજીમાં આજે મા અંબાના પ્રાગટ્યદિને અખંડ જ્યોત યાત્રા યોજાઈ
- ગબ્બરથી શક્તિદ્વારા સુધી યાત્રામાં અનેક ભાવિકો જોડાયા
- માં અંબાએ હાથી પર સવાર થઈને પરિક્રમા કરી
- માતાજીને 56 ભોગની મીઠાઈનો વિશેષ અન્નકૂટ ધરાવાયો
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં આજે પોષી પુનમના દિને માતાજીના મંદિરમાં ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આજે અંબાજી માતાજીના પ્રાગટ્ય દિને ગબ્બર પર્વતથી શક્તિ દ્વાર સુધી અખંડ જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. શક્તિદ્વાર પર મહાઆરતી બાદ મા અંબા હાથી પર સવાર થઈને નગરની પરિક્રમાએ નિકળ્યા હતા. બોલ મારી જય જય અંબેના નાદથી અંબાજીના મંદિર પરિસર ગુંજી ઊઠ્યુ હતું.
શક્તિ, ભક્તિ અને આસ્થાનું પ્રતીક એવા અંબાજી મંદિરમાં આજે પોષી પૂનમ નિમિત્તે ભવ્ય ઊજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારે મંગળા આરતી બાદ ગબ્બર પર્વતથી અંખડ જ્યોત લઈ માતાજીના જયઘોષ સાથે શક્તિદ્વાર સુધી જ્યોત યાત્રા યોજાઈ હતી અને નિજ મંદિરે જ્યોત સાથે સમાવેશ કરવામાં આવી હતી. શક્તિદ્વાર પર મહાઆરતી બાદ મા અંબા હાથી પર સવાર થઈને નગરની પરિક્રમા કરવા નીકળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. મા અંબાના પ્રાગટ્ય દિવસના મહાઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઊમટ્યા છે.
ગુજરાત-રાજસ્થાન સરહદ પર સ્થિત આ યાત્રાધામ 51 શક્તિપીઠમાંનું એક આધ્યશક્તિપીઠ તરીકે જાણીતું છે. 358 સુવર્ણ કળશથી શોભતા આ મંદિરને 'ગોલ્ડન ટેમ્પલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. 'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. મંદિરના ચાચર ચોકમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 8 વાગ્યે ગબ્બર પર્વતથી મા અંબાની અખંડ જ્યોત શક્તિદ્વાર સુધી લાવવામાં આવી હતી, ત્યારબાદ મા અંબા હાથી પર સવાર થઈને નગરની પરિક્રમા માટે નીકળ્યાં હતાં. ગબ્બરના પૂજારી અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ સાથે ભક્તો માતાજીની અખંડ જ્યોત લેવા ગબ્બર પહોંચ્યા હતા અને ત્યાંથી માતાજીના જયઘોષ સાથે શક્તિદ્વાર સુધી જ્યોત યાત્રા નીકળી હતી. ગબ્બરથી માતાજીની જ્યોત લઇ તે જ્યોતને નિજ મંદિરની જ્યોત સાથે સમાવેશ કરાવ્યો હતો. મંદિરના શક્તિદ્વાર પર માતાજીની મહાઆરતી અને ત્યારબાદ માતાજી હાથી પર સવાર થઈને નગર ભ્રમણે વિશાળ શોભાયાત્રા સાથે નીકળશે તેવું આયોજન કરાયું હતું.
શાકંભરી નવરાત્રિના સમાપન પ્રસંગે મંદિરમાં શાકભાજી અને 56 ભોગની મીઠાઈનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવશે. પોષ મહિનાની આઠમથી પૂનમ સુધી ચાલતી શાકંભરી નવરાત્રિ દરમિયાન મા અંબાને શાકભાજીનો શણગાર કરવામાં આવે છે. મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જેને નિહાળી ભક્તો ભક્તિભાવથી માતાજીની આરાધના કરી રહ્યા છે.