ઓપરેશન સિંદૂર અંગે અજિત ડોભાલના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ, ભારત ઉપર કર્યાં આક્ષેપ
નવી દિલ્હીઃ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા પર ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ દ્વારા આપવામાં આવેલા નિવેદનથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે. ડોભાલે શુક્રવારે પહેલી વાર પાકિસ્તાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓને અત્યંત ચોકસાઈથી નિશાન બનાવ્યા હતા અને આ દરમિયાન એક પણ ભૂલ થઈ નથી. તેમણે કહ્યું હતું કે આ ઓપરેશન માત્ર 23 મિનિટમાં પૂર્ણ થયું હતું અને તેનો આધાર સંપૂર્ણપણે ગુપ્ત માહિતી પર હતો. હવે પાકિસ્તાનના શાસકો ભારતીય NSAના આ ખુલાસાથી ગુસ્સે ભરાયાં છે. હકીકતમાં, ડોભાલે વિદેશી મીડિયાને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જો ભારતને કોઈ નુકસાન થયું હોય, તો એક પણ ફોટો, એક પણ સેટેલાઇટ તસ્વીર બતાવે. જો કાચ તૂટી ગયો હોય તો પણ અમને જણાવો. અમને ખબર હતી કે કોણ ક્યાં હતું અને અમે તે જ સ્થળને નિશાન બનાવ્યું હતું. અમે કોઈ ભૂલ કરી નથી.
ડોભાલના આ નિવેદન પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ડોભાલના નિવેદનને 'અયોગ્ય અને જુઠ્ઠાણાથી ભરેલું' ગણાવ્યું હતું. આ સાથે પાકિસ્તાને ભારત પર સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું કે, ડોભાલનું નિવેદન ઇરાદાપૂર્વકનો ખોટો પ્રચાર છે. આ જવાબદાર રાજદ્વારીના તમામ ધોરણોનું ઉલ્લંઘન છે. ભારત દ્વારા આ રીતે લશ્કરી હુમલાની બડાઈ મારવી એ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ગંભીર ઉલ્લંઘન છે. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભારત જેને આતંકવાદી ઠેકાણા કહે છે તે લક્ષ્યો ખરેખર નાગરિક વિસ્તારો હતા અને ત્યાં નાગરિકો મૃત્યુ પામ્યા હતા. શફકત અલી ખાને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે હવે આને ગંભીરતાથી લેવું પડશે. જો લગામ નહીં લગાવવામાં આવે તો આપણે તેના પરિણામો જોયા છે.