સુરતમાં વધતા જતા વાયુ પ્રદૂષણને ધ્યાને લઈને એર સ્મોગ ટાવર ઉભો કરાયો
સુરતઃ શહેરમાં વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા તેમજ નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે અદ્યતન સુવિધાઓ સ્થાપિત કરવામાં પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી ફાળવાયેલ અંદાજિત રૂ.34.99 લાખના ખર્ચે કતારગામ અલ્કાપુરી ખાતે નિર્મિત એર સ્મોગ ટાવરનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કતારગામ અલ્કાપુરી ખાતે આયોજીત કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોએ રૂ.1.28 કરોડના ખર્ચે 4ટાટા વિન્ગર બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, સ્મોગ ટાવર શહેરીજનોને આરોગ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમજ પ્રદૂષણના દૂષ્પ્રભાવ સામે રક્ષણ આપશે. સુવ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાત્કાલિક આરોગ્યસહાય સુવિધાઓ આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગઈ છે.
સુરત શહેરમાં વધતા જતા વાયુ પ્રદૂષણને ધ્યાને લઈને એર સ્મોગ ટાવર ઉભો કરવામાં આવ્યો છે. જે વાયુમાં રહેલા ઝેરી કણોને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે, જે શહેરની હવા વધુ શુદ્ધ અને નાગરિકોને શ્વાસ સંબંધિત રોગોથી બચાવવા માટે અતિ ઉપયોગી સાબિત થશે. તેમજ શહેરીજનોને આપાતકાલિન સ્થિતિમાં ઝડપી અને યોગ્ય આરોગ્યસહાય મળી રહે તે અદ્યતન સાધનોથી સુસજ્જ એમ્બ્યુલન્સ લોકાર્પિત કરાઈ હતી.
આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય કાંતિભાઈ બલર, પુર્વે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સ્થાયી સમિતિના ચેરમેન રાજનભાઈ પટેલ, અગ્રણી પરેશભાઈ પટેલ, મહાનગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.