કંડલા-દિલ્હી વચ્ચે આગામી તા. 26મી ઓક્ટોબરથી વિમાની સેવા શરૂ થશે
- કંડલા એરપોર્ટ પર નાના રનવેને લીધે પડતી મુશ્કેલી,
- મુંબઈનું બુંકિગ વધુ છતાં 200ની ક્ષમતા ધરાવતા વિમાનો આવી શકતા નથી,
- દિલ્હીથી ફ્લાઈટ સવારના 7 વાગ્યે ઉપડશે, કંડલાથી સવારે 9:30 વાગ્યે દિલ્હી જવા ઉડાન ભરશે
ભૂજઃ દેશમાં સૌથી મોટુ કંડલા પોર્ટ ગણાય છે. અને ગાંધીધામ સહિત કચ્છમાં અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ત્યારે કંડલા એરપોર્ટથી દિલ્હી જવા માટે સીધી કોઈ ફ્લાઈટ ન હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડતી હતી. આ અંગે વેપારી મંડળ દ્વારા પણ રજુઆત કરવામાં આવી હતી. હવે કંડલા એરપોર્ટથી દિલ્હીની સીધી ફ્લાઈટ આગામી તા, 26મી ઓક્ટોબરથી ઉડાન ભરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી એકમાત્ર કંડલા એરપોર્ટથી મુંબઈની જ ફ્લાઈટ ઓપરેટ થતી હતી. હવે દિલ્હીની ફ્લાઈટ પણ શરૂ થતા લોકોને વધુ સારી ક્નેક્ટીવીટી મળી શકશે. જોકે આ સેવા નિયમીત રહે તે જરૂરી છે, કેમ કે ભુતકાળમાં દિલ્હીની ફ્લાઈટ જેટલા દિવસ ચાલુ રહે, તેનાથી વધુ દિવસ બંધ રહેતી હતી.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના કહેવા મુજબ કંડલા એરપોર્ટથી 26 ઓક્ટોબરથી સ્પાઈસ જેટથી દિલ્હીથી કંડલા એરપોર્ટ અને કંડલા એરપોર્ટથી દિલ્હીની વિમાની સેવા શરૂ થશે. જે ફ્લાઈટ સવારના 7 વાગ્યે દિલ્હીથી ઉપડશે અને કંડલા એરપોર્ટ પહોંચ્યા બાદ સવારે 9:30 વાગ્યે કંડલા એરપોર્ટથી દિલ્હી માટે ઉપડશે. જેથી સવારના સમયમાં દિલ્હી પહોંચી શકાશે. આ ફ્લાઈટની હાલ અંદાજીત ક્ષમતા 90ની રહેવાની શક્યતા છે. કંડલા એરપોર્ટનું રન વે નાનુ છે. તેના કારણે મુંબઈનું બુંકિગ વધુ હોવા છતાં 180 કે 200ની ક્ષમતા ધરાવતા વિમાનો એરપોર્ટ પર લેન્ડ કરી શકાતા નથી. હાલ કંડલા એરપોર્ટથી એકજ ફ્લાઈટ મુંબઈની બપોરના ભાગે ઓપરેટ થાય છે. જે પણ મંગળ અને ગૂરૂવારે બંધ રહે છે. અગાઉ કંડલા એરપોર્ટથી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી એમ ત્રણેય મુખ્ય સ્થળોની ફ્લાઈટ ઓપરેટ થતી હતી, પરંતુ સમય જતા સારો ટ્રાફિક મળતો હોવા છતાં ફ્લાઈટોની સંખ્યા ઘટી હતી. મુંબઈ બાદ હવે દિલ્હીની હવાઈ ક્નેક્ટીવીટી મળતા અમદાવાદની પણ ક્નેક્ટીવીટી મળે તેવી માંગ પ્રબળ બની છે.