અમદાવાદમાં વાયુપ્રદૂષણે ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું, AQI 300 ને પાર
અમદાવાદ: દિવાળીની ઉજવણી બાદ અમદાવાદ શહેરમાં વાયુપ્રદૂષણે ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. 20 ઓક્ટોબરની રાત્રે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300ને પાર પહોંચી જતા 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં દાખલ થયો હતો. વિશેષરૂપે થલતેજ વિસ્તારમાં તો AQI 1000થી વધુ પહોંચી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેને 'અત્યંત જોખમસભર' ગણવામાં આવે છે.
રાજ્ય સરકારે ફટાકડા ફોડવા માટે રાત્રે 8થી 10 વાગ્યાનો સમય મર્યાદિત કર્યો હતો. જો કે, ચાંદખેડા, બોપલ, શીલજ, નારોલ અને સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં મધરાત બાદ પણ આતશબાજી ચાલુ રહી હતી .જેના કારણે PM2.5 અને PM10 જેવા ઝેરી રજકણોનું પ્રમાણ ભારે પ્રમાણમાં નોંધાયા હતા.
aqi.in વેબસાઈટ મુજબ, શહેરના અનેક વિસ્તારોમાં AQI 350થી 500ની વચ્ચે નોંધાયું હતું. નારોલમાં તો થોડીવાર માટે AQI 850થી ઉપર પહોંચી જતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને છાતીમાં ઘટકો જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
ફેફસાના રોગવિદોનું કહેવું છે કે "PM2.5નું વધેલું પ્રમાણ અત્યંત હાનિકારક છે. ખાસ કરીને અસ્થમાના દર્દીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે. નાની ઉંમરના બાળકો, વૃદ્ધો અને શ્વસનતંત્રની સમસ્યાઓ ધરાવતા લોકો માટે આગામી બે-ત્રણ દિવસ બહુ જ સંભાળ રાખવાની જરૂર છે."