એર ઈન્ડિયાના વિમાનનું એન્જીન હવામાં બંધ, બેંગ્લોરમાં ઈમરજન્સી લેન્ડિંગ
એર ઈન્ડિયાના વિમાનનું એન્જીન હવામાં બંધ થઈ જવાની ચોંકાવનારી જાણકારી સામે આવી છે. બેંગ્લોર એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું એન્જીન અધવચ્ચે જ બંધ થઈ ગયું હતું. જે બાદ તેને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ 2820 બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે ઉડાન ભરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તે બેંગ્લોરની એક કલાકની ચક્કર લગાવ્યા બાદ પરત ફર્યો હતો. ઘટના રવિવારની છે. સૂત્રોનું કહેવું છે કે, અમારી પાસે આ ઘટનાની ટેકનિકલ વિગતો નથી, પરંતુ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જો કે તમામ મુસાફરો સુરક્ષિત છે.
કોલંબો જતી ફ્લાઈટને તિરુવનંતપુરમ તરફ વાળવામાં આવી
બીજી બાજુ, શ્રીલંકાની રાજધાનીમાં ખરાબ હવામાનને કારણે, મંગળવારે ઇસ્તંબુલથી કોલંબો જતી તુર્કી એરલાઇન્સની ફ્લાઇટને તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (TIAL) ના અધિકારીએ જણાવ્યું કે, 10 ક્રૂ મેમ્બર સહિત 299 મુસાફરોને લઈને ફ્લાઈટ સવારે 6.51 વાગ્યે અહીં એરપોર્ટ પર ઉતરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂ સલામત છે અને હવામાન સાફ થતાં કોલંબો માટે રવાના થશે.