ઉત્તરપ્રદેશમાં 1.25 કરોડ જેટલા મતદારો બોગસ હોવાનો AI ચકાસણીમાં ખુલાસો
લખનૌ: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણી પહેલાં જ બનાવટી મતદારોની મોટી પોલ ખુલ્લી પડી છે. ચૂંટણી પંચે મતદાર યાદીની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા ચકાસણી કરાવી હતી, જેમાંથી આશરે 1.25 કરોડ મતદારો બે સ્થળોએ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. એટલે કે એક જ વ્યક્તિ ગ્રામ પંચાયત તેમજ નગર નિગમ બંનેમાં મતદાર તરીકે નોંધાયો છે.
આ અંગે પંચાયતી રાજ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે માહિતી આપતાં જણાવ્યું કે, તમામ જિલ્લાધિકારીઓને આ રિપોર્ટના આધારે બી.એલ.ઓ. દ્વારા તપાસ કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. તપાસમાં જો કોઈનું નામ બે જગ્યાએ મળે તો એક જગ્યાએથી તેને દૂર કરવામાં આવશે. રાજભરે આ કૌભાંડ પાછળ સ્થાનિક નેતાઓની મિલીભગત જવાબદાર હોવાનો આરોપ મૂક્યો છે. તેમના જણાવ્યા મુજબ, નેતાઓ પોતાના વિસ્તારની ચૂંટણી સહેલાઈથી જીતવા માટે બહારના વિસ્તારોના સમર્થકોના નામ પોતાની મતદાર યાદીમાં સામેલ કરી દે છે.
બિહારમાં મતદારોની યાદીના નિરીક્ષણ મુદ્દે અગાઉ જ ભારે હોબાળો સર્જાયો હતો. ચૂંટણી પંચના SIR મિશન દરમિયાન 65 લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા હતા. વિપક્ષે આનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને એનડીએ પર વોટ ચોરીનો આરોપ મૂક્યો હતો. તેમણે પુરાવા સાથે વોટ અધિકાર યાત્રા શરૂ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને કોર્ટએ ચૂંટણી પંચને નામ કાપવાના કારણો સાથે યાદી જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
(PHOTO-FILE)