અમદાવાદના એસપી રિંગ રોડને સિક્સલેન બનાવાશે, ઔડાએ કરી જાહેરાત
- ઔડા દ્વારા બે ફેઝમાં રૂપિયા 2200 કરોડનો ખર્ચ કરાશે
- રિંગ રોડ સમાંતર આવેલા સર્વિસ રોડને પણ ફોન લેન કરાશે
- ભાટ તથા કમોડ હયાત બ્રીજની બંન્ને બાજુ 3 લેનના નવીન બ્રીજ બનાવાશે
અમદાવાદઃ આજે 1લી ફેબ્રુઆરીએ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ના 48મા સ્થાપના દિન અમદાવાદ શહેર ફરતે આવેલા એસપી રિંગ રોડને સિક્સલેન કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઔડા દ્વારા બે ફેઝમાં કામગીરી કરીને રૂપિયા 2200 કરોડનો ખર્ચ કરાશે, સાબરમતી નદી પરના ભાટ તથા કમોડ હયાત બ્રીજની બંન્ને બાજુ 3 લેનના નવીન બ્રીજ પણ બનાવવામાં આવશે. રિંગ રોડ સમાંતર સર્વિસ રોડને પણ ફોરલેન કરાશે.
ઔડાના આજે 1 ફેબ્રુઆરીના રોજ 48માં સ્થાપના દિવસ નિમિત્તે શહેર ફરતે આવેલા એસપી રિંગરોડને સિક્સ લેન કરવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરની ફરતે આવેલો હયાત રીંગ રોડ 4 લેનનો છે. પ્રથમ ફેઝમાં 37 કિલોમીટર જેટલા સર્વિસ રોડ સાથેનો રોડ પહોળો કરવામાં આવશે. જેના માટે રૂ. 848નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જ્યારે બીજા ફેઝમાં 39 કિલોમીટર રોડને સર્વિસ રોડ સાથે પહોળો કરવામાં આવશે. 76 કિલોમીટર લાંબો રોડ હવે સિકસ લેન બનશે. ઔડા દ્વારા એક વર્ષ અગાઉ સિક્સ લેન રોડ કરવા માટેની ડિઝાઈન, ટ્રાફિક, સર્વે દ્વારા જંક્શન પર નવા ફ્લાય ઓવર બનાવવા વગેરે અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
સરદાર પટેલ રિંગ રોડનો મુખ્ય કેરેજ વે જે હાલમાં ફોર લેન છે. જેને સિક્સ લેન થશે. જેમાં હયાત સર્વિસ રોડ કે જે હાલમાં બે લેન છે. જેને ઉપલ્બધ રોડ પહોળાઇ ધ્યાને લઇ 34 કિ.મી. લંબાઇમાં 4 લેન અને 15 કિ.મી. લંબાઇમાં 3 લેન મુજબ બંને તરફના સર્વિસ રોડ વિકસાવવામાં આવશે. સાબરમતી નદી પરના ભાટ તથા કમોડ હયાત બ્રીજની બંન્ને બાજુ 3 લેનના નવીન બ્રીજ બનાવવામાં આવશે. તેમજ ભાટ સર્કલ, ચિલોડા સર્કલ તથા અસલાલી સર્કલ પર થતા ટ્રાફીકના ભારણને ધ્યાને લઈને 6 લેન અંડરપાસ તથા હયાત ત્રાગડ અંડરપાસની બંન્ને બાજુ બીજા ડબલ નવીન અંડરપાસ બનાવવામાં આવશે. રિંગ રોડની આસપાસ વિકસી રહેલાં વિસ્તાર અને વધતા જતાં રહેવાસીઓની અવર-જવર તથા રોડ ક્રોસીંગ અંગેની સલામતીના ભાગરૂપે રીંગ રોડ પર તમામ હયાત VUPની પહોળાઇ વધારવા તથા 6 નવીન ફુટ ઓવર બ્રીજ બનાવવામાં આવશે.
સૂત્રોના કહેવા મુજબ શહેરના સરદાર પટેલ (એસપી) રિંગ રોડ પર દિવસ દરમિયાન અંદાજીત એક લાખ જેટલા વાહનો પસાર થતા હોય છે. રિંગ રોડ પર 6 નેશનલ હાઈવે તથા 11 જેટલા નાના મોટા સ્ટેટ હાઈવે સાથે જોડાણ થાય છે. રિંગ રોડ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતો મુખ્ય માર્ગ છે.