અમદાવાદનું મોદી સ્ટેડિયમ BAPSના યુવા કાર્યકર્તાઓથી ઊભરાયું
- સ્ટેડિયમ પર 1800 પોલીસ કર્મચારીઓ તૈનાત,
- ગામ-પરગામથી મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉમટી પડ્યા,
- સૂવર્ણ મહોત્સવમાં ભાગ લેવા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPSના ઉપક્રમે કાર્યકર સુવર્ણ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં યુવા હરિભક્તો ઉમટી પડતા સ્ટેડિયમ ઊભરાઈ ગયું છે. સાંજના 5થી 8.30 દરમિયાન સ્ટેડિયમમાં યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમમાં એક લાખથી વધુ યુવા હરિભક્તો ઉમટી પડ્યા છે. સ્ટેડિયમ પર 1800 જેટલા પોલીસ જવાનોનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનો કાર્યકર સુવર્ણ મહોત્સવ દબદબાભેર ઊજવાઈ રહ્યો છે. જેમાં દેશ વિદેશ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી એક લાખ જેટલા કાર્યકર્તાઓ ભાગ લેવા માટે આવી પહોચ્યા છે. કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ભાગ લેવા માટે સવારથી જ કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા હતા. મહોત્સવમાં ભાગ લેવા માટે મુંબઈથી કાર્યકર્તાઓ આજે વહેલી સવારે ટ્રેન મારફતે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સ્ટેડિયમ નજીક આપવામાં આવેલા ઉતારાથી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા હતા.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસના કાર્યકર સુવર્ણ મહોત્સવમાં મુંબઈથી આશરે સાડા ત્રણ હજાર લોકો આપી પહોંચ્યા હતા. મોડી રાત્રે ટ્રેનમાં તેમજ ખાનહી વાહનોમાં અનેક લોકો અમદાવાદ આવી પહોંચ્યા હતા. ઉપરાંત ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી પણ કાર્યકર્તાઓ અમદાવાદ પહોંચ્યા હતા. બપોરે 1:00 વાગ્યા સુધીમાં તમામ કાર્યકરોને સ્ટેડિયમમાં પોતાની બેઠક વ્યવસ્થા લઈ લેવા માટે સુચના આપવામાં આવી હતી. હરિભક્તો શિસ્તબદ્ધરીતે પોતાની બેઠક ગ્રહણ કરી લીધી હતી. આ આખા કાર્યક્રમનું ભવ્ય આયોજન લાઇવ કરાશે. તેમજ ભવ્ય લાઈટિંગ શો પણ યોજાશે, આ પ્રકારનો લાઈટિંગ શો ભારતમાં પહેલીવાર થવાનો છે ત્યારે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહી છે.