અમદાવાદનું માણેકચોક ખાણી-પીણી બજાર કાલે સોમવારથી ફરી ધમધમશે
- માણેકચોકમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન બદલવા ખાણીપીણી બજાર બંધ કરાયુ હતું
- ખાણીપીણીના વેપારીઓએ ફરી તૈયારીઓ શરૂ કરી દીધી
- રાત્રી બજારનો નજારો માણવા શહેરીજનો ઉમટી પડશે
અમદાવાદઃ શહેરના માણેકચોક ખાણીપીણી બજારને ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે બંધ કરવામાં આવ્યું હતું. હવે ડ્રેનેજલાઈનની કામગીરી પૂર્ણ થઈ જતાં કાલે સોમવારથી ફરી માણેકચોક રાત્રી ખાણીપીણી બજાર ધમધમતુ થઈ જશે. ખાણીપીણીના વેપારીઓ મહિના બાદ ફરી તૈયારીઓમાં લાગી ગયા છે. શહેરમાં ખાણીપીણીના શોખિન લોકો તેમજ બહારગામથી આવેલા લોકો અવશ્ય માણેકચોક રાત્રી બજારની મુલાકાત લેતા હોય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50 વર્ષ પહેલા માણેકચોકમાં નાખવામાં આવેલી ડ્રેનેજ લાઈનના રિહેબિલિટેશનની કામગીરીના પગલે માણેકચોક રાત્રિ ખાણીપીણી બજાર એક મહિનાથી બંધ કરાયુ હતુ. ડ્રેનેજની કામગીરી પૂર્ણ થતા આવતીકાલે 7 એપ્રિલને સોમવારથી ખાણીપીણી બજાર ફરીથી ધમધમતુ થશે. ખાવાના શોખીન અમદાવાદીઓ માણેકચોકની ભાજીપાવ, પીઝા, ભેળ, આઈસ્ક્રીમ, કે સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓનો સ્વાદ માણી શકશે.
એએમસીના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, શહેરના માણેકચોક વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી કરવાની હોવાના કારણે 5 માર્ચ, 2025થી રાત્રિ ખાણી-પીણી બજાર બંધ કરવામાં આવ્યું હતું. સતત એક મહિના સુધી કામગીરી કરવાની તેમજ જ્યાં ખાણીપીણી બજાર આવેલું હતું, ત્યાં ભારે મશીનરી મૂકવાની હતી. જેના કારણે રાત્રિ ખાણીપીણી બજાર બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. તેથી વેપારીઓએ સહકાર આપી અને એક મહિના માટે બજાર બંધ કર્યું હતું. કામગીરી પૂર્ણ થઇ જતા જ્યાં પણ ખોદાણ કરવામાં આવ્યું હતું, ત્યાં રોડ રીસરફેસ કરી દેવામાં આવ્યો છે અને 7 એપ્રિલથી ફરીથી આ બજાર શરૂ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના કોટ વિસ્તારમાં માણેકચોક અને આસપાસના વિસ્તારમાં 50 વર્ષથી પહેલાંના સમયમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવેલી હતી. આ લાઈન ત્યારબાદથી બદલવામાં આવી નથી. વર્ષો જૂની લાઈન હોવાના કારણે ત્યાં ગટર ઉભરાવવાની અને જર્જરિત થઈ ગઇ હોવાના કારણે કરોડો રૂપિયાના ખર્ચે આ લાઈનને રીહેબિલિટેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. માણેકનાથ બાવાની સમાધિ ખાણી-પીણી બજાર જે વચ્ચેના ભાગે ભરાય છે તે જ સ્થળ ઉપર ભારે મશીનરી મૂકી અને કામગીરી કરવામાં આવી હતી. માણેકચોક રાણીના હજીરાથી સાંકડી શેરીથી મદન ગોપાલ હવેલીથી આસ્ટોડીયા રંગાટી બઝારથી આસ્ટોડીયા દરવાજા સી.આઈ.પી.પી મેથડળી રીહેબીલીટેશનના કરવાની કામગીરી કરવામાં આવી છે.