રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ
અમદાવાદઃ રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ(GCRI)માં રેડિયેશન થેરાપી માટે સાયબર નાઇફ રોબોટિક્સનો ઉપયોગ કરાય છે. અંદાજે ₹. ૩૮ કરોડના ખર્ચે વસાવેલ આ સાયબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથે સાથે સામાન્ય પ્રકારના ૫(પાંચ )મી.મી. થી 3 સે.મી. સુધીની કદના સામાન્ય ટ્યુમરનું પણ સચોટ અને ન્યુનત્તમ આડઅસર રહિત નિદાન કરી શકે છે. અહીં મહત્વની બાબત એ પણ છે કે, સરકારી સંસ્થામાં આ પ્રકારની સારવાર આપતું સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે.
અમદાવાદ ખાતે આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની રહી છે. ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લાં ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે GCRI જાણીતું નામ બન્યું છે. કેન્સરની સારવારમાં રેડિયેશન થેરાપી એક મહત્ત્વની સારવાર છે. કેન્સર સામેની લડાઈમાં વધુને વધુ દર્દીઓને ઉત્તમ સારવાર સમયસર પૂરી પાડીને તેમને દર્દમુક્ત કરવાના ઉદ્દેશ સાથે કામ કરતી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) રેડિયેશન થેરાપીમાં સતત આધુનિક ઉપકરણો થકી તેનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવી રહી છે.
ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દેશમાં રેડિયોથેરાપી માટેના અદ્યતન કેન્દ્રોમાંથી એક છે. અહીં દરેક દર્દીની જરૂરિયાતો અનુસાર ઝડપી, સચોટ અને ઓછી આડઅસર સાથેની સારવાર પૂરી પાડવામાં આવે છે. સંસ્થા પાસે અત્યાધુનિક રેડિયેશન ઑન્કોલોજી ક્ષેત્રે અત્યાધુનિક કહી શકાય તેવી સાઇબરનાઇફ, ટ્રુબીમ લિનેક અને ટોમોથેરાપી જેવી સેવાઓ/ઉપકરણો અંદાજીત ₹ ૯૫ કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.