અમદાવાદઃ 31 ડિસેમ્બરને લઈ કેટલાક માર્ગો પર અવર જવર બંધ રહેશે
• શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો
• નવ હજારથી વધારે પોલીસ જવાનો રહેશે તૈનાત
• શહેરમાં 145 એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી
અમદાવાદઃ 31 ડિસેમ્બર અને નવા વર્ષનાં આગમનની ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ તથા ટ્રાફિક નિયમન જાળવવા અમદાવાદ ટ્રાફિક પોલિસે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ અંતર્ગત આજે સાંજે છ વાગ્યાથી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી વાહનચાલકો સીજી રોડ પર અવરજવર કરી શકશે નહીં. આ જ રીતે, રાત્રિના આઠ વાગ્યાથી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી સિંધુ ભવન રોડ પર જાજરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઇન ચાર રસ્તા સુધીનો બંને બાજુનો રસ્તો બંધ રહેશે.
આ ઉપરાંત, એસ જી હાઇવે પર સવારે આઠથી રાત્રિના ત્રણ સુધી ભારે વાહન પસાર થઈ શકશે નહીં. શહેરમાં નવ હજાર પોલિસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટના 145 પોઇન્ટ પર નાકાબંધી કરીને વાહનોની તપાસ કરવામાં આવશે એમ અમદાવાદ શહેર પોલિસ કમિશનરની યાદીમાં જણાવાયું છે.
(ફાઈલ ફોટો)