અમદાવાદ : સારંગપુર બ્રિજને તોડી 2026 સુધીમાં નવેસરથી બનાવાશે
અમદાવાદઃ શહેરમાં સારંગપુર બ્રિજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રિજ બનાવવાની કામગીરી દિનેશચંદ્ર આર. અગ્રવાલ કંપની દ્વારા કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન સારંગપુર બ્રિજના બન્ને છેડા વાહનવ્યવહાર માટે બંધ કરી વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યાનું જાણવા મળે છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની પેટા કલમ 33 (1) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશન રી-ડેવલપમેન્ટ કરવાની કામગીરી હાલમાં ચાલુમાં છે. જેના ભાગરૂપે રેલ્વે સ્ટેશનના બહારના ભાગે આવેલ સારંગપુર બ્રિજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન ટ્રાફિક સુચારુ રીતે ચાલે અને ટ્રાફિકની કોઇ સમસ્યા ઉદભવે નહિ તે હેતુસર નીચે મુજબનો રસ્તો બંધ/ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. આશરે 200 મીટર જેટલી લંબાઈ ધરાવતો સારંગપુર બ્રિજ બન્ને છેડાથી વાહનવ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.
વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગની વિગત :
- ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઈ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રિજ થઇ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઇ જરૂરિયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.
- ગીતા મંદિર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઈ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે.
- રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઈ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રિજ થઇ કાંકરિયા ગીતા મંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
- રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રિજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઈ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ થઈ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે. તેમજ ઉપર્યુક્ત ડાયવર્ઝનવાળો સમગ્ર રૂટ 'નો-પાર્કિંગ ઝોન' રહેશે.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. 2/1/2025 થી તા. 30/6/2026 સુધી 24 કલાકના સમયગાળા સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.