અમદાવાદ-રાજકોટનો સિક્સલેન હાઈવે 6 વર્ષે હજુપણ અધૂરો
• 3 જેટલા બ્રિજની કામગીરી હજુપણ પુરી થઈ નથી,
• કામગીરી અધુરી છતાં ટોલનાકા ચાલુ કરવાની ઉતાવળ,
• ભાદરનદી પરના બ્રિજની કામગીરીથી જામ થતો ટ્રાફિક
અમદાવાદઃ ગુજરાત કે કેન્દ્ર સરકારના મોટાભાગના પ્રોજેક્ટો તેના નિર્ધારિત સમયમાં પુરા થતાં જ નથી. જેમાં હાઈવે અને બ્રિજના કામો તો વર્ષો સુધી ચાલતા હોય છે. અમદાવાદ-રાજકોટ વચ્ચે નેશનલ હાઈવે પર સિક્સલેનનું કામ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે. છતાંપણ હાઈવેનું સંપૂર્ણ કાર પૂર્ણ થયું નથી. ઘણાબધા બ્રિજના કામો બાકી છે. બીજીબાજુ હાઈવેનું કામ એધૂરૂં હોવા છતાયે ટોલપ્લાઝા શરૂ કરવાની ઉતાવળ કરવામાં આવી રહી છે. અમદાવાદથી રાજકોટ નેશનલ હાઈવે પર ચાર જેટલા ટોલપ્લાઝા ઊભા કરી દેવામાં આવ્યા છે. જેમાં અંમદાવાદથી લીંબડી સુધીમાં બે ટોલપ્લાઝા બનાવાયા છે.
ટ્રાફિકની સતત ધમધમતા એવા અમદાવાદ- રાજકોટના નેશનલ હાઈવે (NH) નંબર 47ને સિક્સલેન બનાવવાની કામગીરી હજુપણ પૂર્ણ થઈ નથી. આ પ્રોજેક્ટના પૂર્ણતાની સતત છઠ્ઠી વખતની ડેડલાઈન વધારવામાં આવી છે. એક્સ્ટેન્શન્સ પર એક્સ્ટેન્શન્સ છતાં 2018થી શરૂ થયેલી સિક્સલેન હાઈવેની કામગીરી 2024ના અંત આવવા છતાં પણ પૂરી થઈ નથી. રૂપિયા 3350 કરોડનાં આ પ્રોજેક્ટની કામગીરીમાં રાજકોટથી બગોદરા સુધી અંતરમાં 3 બ્રિજ માટેની કામગીરી બાકી હોવાથી આગામી 3 માસમાં કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, જૂન 2025 સુધીમાં પણ આ કામગીરી પૂરી થશે કે નહીં એ મોટો પ્રશ્ન છે. 6 વર્ષના વાહાણા વીત્યાં છતાંયે હજુ સુધી આ પ્રોજેક્ટના મેજર 6 પૈકી હજુ 3 બ્રિજની કામગીરી બાકી છે.
રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઇવેનું કામ ચાલી રહ્યું છે. સૌથી વધુ ટ્રાફિક ધરાવતો આ નેશનલ હાઇવે છે. જોકે સિક્સલેનનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. સાયલાથી લીંબડી સુધીના રસ્તાનું કામ સંપૂર્ણ પૂર્ણ થઇ ગયું છે તેમાં કોઈપણ જાતનું કામ બાકી નથી. જ્યારે તેનાથી આગળ લીંબડીથી બગોદરા સુધીનો વિસ્તાર છે જેમાં ભોગાવા બ્રીજનું કામ હાલ ચાલી રહ્યું છે. જે અંદાજિત એકાદ મહિનામાં પૂર્ણ થઇ જશે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટથી બામણબોર સેક્સનમાં સાત હનુમાન નજીક જે સૌથી લાંબો બ્રિજ છે તેને એક બાજુનો બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુનો બ્રિજ હજુ બંધ હાલતમાં છે જેમાં હાલ કોઈ કામગીરી પણ ચાલુ નથી. આ ઉપરાંત કુવાડવા પાસે બ્રિજની કામગીરી અધૂરી છે.
સિક્સલેન હાઇવેની પહેલી મુદ્દત 2020માં, બીજી મુદ્દત 30 જૂન 2023માં, ત્રીજી મુદ્દત ડિસેમ્બર 2023, ચોથી મુદ્દત માર્ચ 2024 અને હવે પાંચમી મુદ્દત ઓક્ટોબર 2024 આપવામાં આવી હતી. છતાંયે કામ અધૂરું છે. રાજકોટથી અમદાવાદ સુધી જવા માટે હજુ પણ ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે. જેમાં બગોદરા, ચોટીલાથી લીંબડી વચ્ચેના રસ્તા પર તેમજ તારાપુર ચોકડી નજીક ત્રણથી ચાર જગ્યા પર ટ્રાફિકજામની સમસ્યા લોકોને સહન કરવી પડી રહી છે. 201 કિલોમીટરના રસ્તા પર હજુ પણ ડાઇવર્ઝન જોવા મળી રહ્યા છે. રાજકોટથી શરૂ કરીએ તો પ્રથમ ગ્રીનલેન્ડ ચોક, ત્યારબાદ સાત હનુમાન મંદિર પાસે, ત્યારબાદ કુવાડવા નજીક, ત્યારબાદ વાંકાનેર બાઉન્ડરી નજીક સિક્સલેન કામગીરી અધૂરી છે.