અમદાવાદમાં મ્યુનિ. દ્વારા 7 ઝોનની શાળાઓમાં માધ્યમિકના વર્ગો શરૂ કરાશે
- દરેક ઝોન વાઈઝ એક સ્કૂલમાં બાળવાટિકાથી ધો.10 સુધીનું મફત શિક્ષણ અપાશે
- શાળાઓમાં ડ્રાપઆઉટ રેશિયો ઘટાડવા માટે કરાયો નિર્ણય
- વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળશે
અમદાવાદઃ શહેરની મ્યુનિ. સંચાલિત શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે અને ગરીબ પરિવારોના બાળકોને મફત શિક્ષણ મળી રહે તે હેતુથી શહેરના સાત ઝોનમાં મ્યુનિની એક એક સ્કૂલમાં પ્રાયોગિક ધોરણે 9 અને 10ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બાળવાટિકાથી ધોરણ 10 સુધી શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહેશે. શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે અપાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સત્રથી શહેરના તમામ 7 ઝોનમાં 7 મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કરવામાં આવશે. આમ હાલ ઝોન વાઇઝ એક સ્કૂલ એવી હશે જેમાં ધોરણ 1થી 8ને બદલે 10 સુધીનું શિક્ષણ ફ્રીમાં મળશે. ઉલ્લેખનીય છે કે, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એ.એમ.સી દ્વારા આગામી સત્રથી સાત ઝોનમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. હાલમાં શહેરમાં એ.એમ.સી સંચાલિત ધોરણ 1 થી 8ની 400થી વધુ સ્કૂલો ચાલે છે. આગામી સમયમાં ધોરણ 9 અને 10ની માધ્યમિક શાળાઓ શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી હવે બાલમંદિર માંડીને ધોરણ 10 સુધી મફત શિક્ષણ મળશે. સ્કૂલ બોર્ડના આ નિર્ણયથી આર્થિક રીતે નબળા વાલીઓને મોટી રાહત થશે. ખાનગી શાળામાં તગડી ફી ભરી ભરીને વાલીઓની કમર ભાગી જતી હતી. આ નિર્ણયથી વાલીઓનો શિક્ષણનો આર્થિક બોજો ઘટી જશે. શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં સાત ઝોનમાં સાત શાળાઓ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ શાળાઓ શરૂ કરાશે. સ્કૂલ બોર્ડ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે.