અમદાવાદ મ્યુનિ. કમિશનરે 5 વર્ષથી એક જ જગ્યાએ ચીપકેલા 28 અધિકારીઓની કરી બદલીઓ
- 20 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને 8 ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી
- સ્ટેન્ડીંગ કમિટીએ બદલીની સત્તા કમિશરને આપી હતી
- જન્મ મરણ વિભાગના ડો. દિવ્યાંગ ઓઝાની બદલી
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં ઘણાબધા અધિકારીઓ વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી રહ્યા છે. તેના લીધે ભ્રષ્ટાચારમાં પણ વધારો થઈ રહ્યો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષોથી એક જ સ્થળે નોકરી કરી રહેલા અધિકારીઓની બદલી કરવાની સત્તા મ્યુનિ.કમિશનરને આપતા બદલીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે. હાલ 8 ડેપ્યુટી હેલ્થ ઓફિસરો અને 20 આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનરો સહિત કૂલ 28 અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. હજુ પણ બાકીના અધિકારીઓની બદલીઓ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની મ્યુનિસિપલ કમિશનરે બદલી કરી છે. 20 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને 8 ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ અધિકારીઓ ફરજ બજાવતા હતા. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોથી લઈને અનેક અધિકારીઓની બદલી કરવાની માંગ ઉઠી હતી ત્યારે એક સાથે કમિશનરે તમામ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરી છે.
સૂત્રોના કહેવા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી એક જ જગ્યાએ અનેક અધિકારીઓ ફરજ બજાવે છે જેના કારણે અનેક કૌભાંડોથી લઈને કામગીરી પર અસર પડતી હોવા અંગેની ફરિયાદો મળી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓની બદલીઓ કરવા માટેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી હતી. જેના પગલે એક જ અઠવાડિયામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 20 જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની અને આઠ જેટલા ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલીઓનો હુકમ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે બે જેટલા વોર્ડ હતા તેમને ત્રણથી ચાર વોર્ડ આપવામાં આવેલા છે. જ્યારે જેઓની પાસે બે વોર્ડ હતા તેઓને માત્ર એક જ વોર્ડની જવાબદારી સોંપવામાં આવેલી છે. આરોગ્ય વિભાગમાં જન્મ- મરણ વિભાગમાં ડો. દિવ્યાંગ ઓઝાની અનેક ફરિયાદો મળી હતી જેના પગલે તેઓને બદલીને ડો. તેજસ શાહને જવાબદારી સોંપવામાં આવી છે.