અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કચેરી સામેના બિલ્ડિંગના બે માળને સીલ કરાયા
- કોંગ્રેસના MLA અને બે કાર્પોરેટરો, સ્થાનિક લોકો દ્વારા ડિમોલિશન અટકાવવા પ્રયાસ
- પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો
- 6 માળના બિલ્ડિંગમાં બે માળ સીલ કરાયા
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની મુખ્ય કચેરી સામે જ 5 માળના બિલ્ડિંગમાં બે માળ ગેરકાયદે હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા આજે સવારથી બે માળ તોડવાની કામગીરીનો પ્રારંભ થતાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને AIMIMના બે કોર્પોરેટરો દ્વારા ડિમોલેશન રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બાંધકામ તોડવાની કામગીરી વચ્ચે બિલ્ડર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં બાંધકામ તોડવાની કામગીરીને રોકવા અંગે તાત્કાલિક સુનાવણી કરવા અંગેની માંગ સાથે અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સલમાન એવન્યુના પાંચમા અને છઠ્ઠા માળનો કબજો મેળવી તેને સીલ કરવા તેમજ કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન કરવા આદેશ આપાતા મ્યુનિ.એ બે માળ સીલ કર્યા હતા.
શહેરના દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી સામે સલમાન એવન્યુ નામનું 6 માળનું બિલ્ડિંગ આવેલું છે. જેમાં બે માળ પુરાતત્વ વિભાગની ખોટી NOC મેળવીને છ વર્ષ પહેલા બાંધી દેવામાં આવ્યા હતા. આ મામલે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. આજે સવારથી પોલીસના સઘન બંદોબસ્ત સાથે બિલ્ડિંગના બે માળ તોડવાનો પ્રારંભ કરાયો હતો.દરમિયાન AIMIMના બે કોર્પોરેટરો દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહને ઘેરીને બાંધકામને રોકવા માટે દબાણ કરાયુ હતુ. પણ આ બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે સુચન કર્યુ હતું. કોર્ટમાંથી કોઈ હજી સુધી નિર્ણય આવ્યો નથી તેથી હાલ બાંધકામ તોડવાની કામગીરી ચાલુ રહેશે તેમ કહેવામાં આવ્યું હતુ.
મ્યુનિના એસ્ટેટ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યના પુરાતત્વ વિભાગની ખોટી NOC મેળવીને છ વર્ષ પહેલા સલમાન એવન્યુ બિલ્ડીંગના બે માળ ઊભા કરી દેવામાં આવ્યા હતા. જે બાદ ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. છ વખત બિલ્ડીંગને ગેરકાયદેસર બાંધકામ બાબતે સીલ કરી હોવા છતાં પણ તેનો વપરાશ ચાલુ રાખવામાં આવતા આજે સવારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 100થી વધારે પોલીસ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મકાન ખાલી કરાવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દરમિયાન એક મહિલાની તબિયત ખરાબ થતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જમાલપુર વોર્ડના AIMIMના કોર્પોરેટર મુસ્તાક ખાદી વાલા અને જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ગેરકાયદેસર બાંધકામને આજે સવારથી ડિમોલેશનની શરૂઆત કરતાની સાથે જ ગુજરાત હાઇકોર્ટમાં ડિમોલિશનની પ્રક્રિયા રોકવા માટે અરજી કરવામાં આવી હતી અને તાત્કાલિક હિયરિંગની માગ કરી હતી. આ બિલ્ડિંગના પહેલા ત્રણ માળમાં સ્થાનિક લોકો રહે છે. બિલ્ડર મોઈન ખાન દ્વારા 18 માળની બિલ્ડીંગ બનાવવાની પરમિશન લેવામાં આવી હતી. જે બાદ 22 માળની રિવાઇઝ પરમિશન લેવામાં ખોટી NOC હોવાનું સામે આવ્યું હતું.