અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને દ્વારા ઈમ્પેક્ટ ફીની 17319 અરજીઓ મંજુર
- ઈમ્પેક્ટ ફીથી રૂપિયા 182 કરોડની આવક,
- ઇમ્પેક્ટ ફીની સૌથી વધુ અરજી દક્ષિણ ઝોનની,
- સૌથી ઓછી મધ્ય ઝોનમાં,
અમદાવાદઃ શહેરમાં અનિયમિત યાને ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ ઈમ્પેક્ટ ફીની જે અરજીઓ આવે તેની ચકાસણી કરીને માપદંડના પરિપેક્ષ્યમાં યોગ્ય હોય તો જરૂરી ફી લઈને અરજીઓને મંજુર કરવામાં આવતી હોય છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ઈમ્પેક્ટ ફી માટે 66135 અરજી આવી હતી. જેમાંથી 17319 અરજી મંજૂર કરતાં મ્યુનિ.ને રૂ. 182.53 કરોડની આવક થઇ છે. જ્યારે 33520 અરજી નામંજૂર કરવામાં આવી છે. ઇમ્પેક્ટ ફી માટે સીધી રકમ રાજ્ય સરકારમાં જમા કરાવવાની હોવાથી કયા એકમે નાણાં ભરાયા તેનું ધ્યાન રાખવા ટીપી કમિટીએ મ્યુનિ.ના અધિકારીઓને આદેશ આપ્યો છે. મ્યુનિ.ને મળેલી ઇમ્પેક્ટ ફી માટેની અરજીમાંથી 26.18 ટકા મંજૂર થઇ છે જ્યારે 50.68 ટકા નામંજૂર થઈ છે.
એએમસીના સુત્રોના જણાવ્યા મુજબ શહેરમાં પોતાના મકાનોનું કે પ્રોપર્ટીનું ગેરકાયદે બાંધકામ હોય તો તેને રેગ્યુલર કરવા માટે ઈમ્પેક્ટ ફીના કાયદા મુજબ લોકો જરૂરી પુરાવા સાથે અરજી કરતા હોય છે. મ્યુનિને ઇમ્પેક્ટ ફીની સૌથી વધુ અરજી શહેરના દક્ષિણ ઝોનમાંથી મળી હતી. જ્યારે સૌથી ઓછી અરજીઓ મધ્ય ઝોનમાં આવી હતી. જયારે સૌથી વધારે મંજૂર અરજીઓ પણ પૂર્વ ઝોનમાં થઇ છે. જ્યારે નામંજૂર થયેલી અરજીઓમાં પણ સૌથી વધારે દ.પશ્ચિમઝોનમાં થઇ છે. ઉલ્લેખનીય છેકે, અરજીઓ નામંજૂર થવાનું મુખ્ય કારણ સરકારી જમીન પરના બાંધકામ, પૂરતું પાર્કિંગ ન હોવું સહિતના કેટલાક બાબતોનો સમાવેશ થાય છે. ફીની રકમ સરકારમાં જમા થતી હોવાથી કોણે પૈસા ભર્યા તે જાણી શકાતું નથી