અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડનું 1143 કરોડનું ડ્રાફ્ટ બજેટ, 91 ટકા રકમ પગાર પાછળ ખર્ચાશે
- 10 વર્ષમાં ખાનગી શાળાઓમાંથી 55000 વિદ્યાર્થીએ મ્યુનિ.શાળામાં પ્રવેશ લીધો
- 129 મ્યુનિ. શાળાઓને સ્માર્ટ શાળા બનાવાશે
- 24 નવી શાળાઓ બનાવવામાં આવશે
અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ 2025-26નું 1143 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું છે. વર્ષ-2025-26માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 નવી શાળા બનાવવામાં આવશે. રુપિયા 1143 કરોડના ડ્રાફટ બજેટ પૈકી શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ માત્ર રુપિયા 77.50 કરોડ જ ખર્ચ કરાશે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે. કે, મ્યુનિ.શાળાના શિક્ષણમાં સુધારો આવતો જાય છે. તેના લીધે હવે ખાનગી શાળાઓમાંથી બાળકો મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. છેલ્લા દસ વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને 55605 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. વિવિધ વોર્ડમાં આવેલી 129 જેટલી મ્યુનિસિપલ શાળાઓને આ સમય દરમિયાન સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્કૂલ બોર્ડનું રૂ.1143 કરોડનું ડ્રાફ્ટ બજેટ શાસનાધિકારીએ રજૂ કર્યું હતુ. બજેટના 91.17 ટકા એટલે કે રૂ. 1042 કરોડ તો પગાર - પેન્શન માટે જ ખર્ચ થશે. વિદ્યાર્થીઓના વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ રૂ. 77.50 કરોડ એટલે કે 6.78 ટકા જેટલો ખર્ચ થશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિવિધ યોજના હેઠળ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાનું પણ આયોજન છે. ડ્રાફ્ટ બજેટ મુજબ 1011.10 કરોડની રકમ રાજ્ય સરકાર જ્યારે 131.90 કરોડની રકમ મ્યુનિ. આપશે. મ્યુનિ.માં 11 સ્કૂલમાં 124 ઓરડા નવા બનાવવાની તેમજ 15 શાળાના 318 ઓરડા રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે આગામી નાણાંકીય વર્ષમાં 23 શાળાના 156 ક્લાસ રૂમ નવા બનાવાશે. આ માટે 23.44 કરોડ એટલે કે બજેટના 2.05 ટકાનો ખર્ચ થશે.
મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનું વર્ષ-2025-26 માટેનું રુપિયા 1143 કરોડનું ડ્રાફટ બજેટ શાસનાધિકારી ડો. લગધીર દેસાઈ દ્વારા રજૂ કરવામા આવ્યુ હતુ..મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓ માટે રાજય સરકાર ગ્રાન્ટેબલ ખર્ચના રૃપિયા 808 કરોડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન રુપિયા 131 કરોડ આપશે.વર્ષ-2025-26 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શતાબ્દી વર્ષ છે.