સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ S.L.Fની ચોથી આવૃત્તિ માટે સજ્જ થયું અમદાવાદ
- સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે ભારતમાં એકમાત્ર યોજાતા લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ વિષયો ઉપર વિદ્વાનોનાં વક્તવ્ય ઉપરાંત સંસ્કૃત નાટકનું મંચન અને બાળકો માટે પણ વિશેષ કાર્યક્રમ
- વિદ્વાનોનાં વક્તવ્ય હિન્દી ભાષામાં હશે જેથી તમામ ભાવકો તે માણી શકે
(અલકેશ પટેલ) અમદાવાદ, 6 ડિસેમ્બર, 2025: Sanskrit Literature Festival S.L.F. શહેર વધુ એક વખત સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ માટે સજ્જ થઈ રહ્યું છે. નવરાત્રિ દરમિયાન સંસ્કૃત ભાષામાં માતાજીના ગરબા માણનાર આ શહેરને અગાઉ ત્રણ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનો લાભ મળ્યો છે. અને આ વર્ષે આ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ યોજાઈ રહી છે.
એકલવ્ય સંસ્કૃત એકેડેમી, સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ્ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી દિવ્યજીવન સાંસ્કૃતિક સંઘ (શિવાનંદ આશ્રમ) અને સંસ્કૃત સાહિત્ય અકાદમીના સહયોગમાં યોજાનાર આ વિશિષ્ટ કાર્યક્રમ શિવાનંદ આશ્રમ, જોધપુર ટેકરા, અમદાવાદ ખાતે આગામી શનિવાર અને રવિવારે - 13 અને 14 ડિસેમ્બરના રોજ માણી શકાશે. સંસ્કૃત ભાષા અને સંસ્કૃત ભાષામાં રહેલા સાહિત્યથી લોકો પરિચિત થાય અને એ દ્વારા સંસ્કૃત જન જન સુધી પહોંચે તે હેતુથી S.L.F.નું આયોજન થઈ રહ્યું છે.

એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ડિરેક્ટર ડૉ. મિહિર ઉપાધ્યાયે આ સમગ્ર કાર્યક્રમ અંગે રિવોઈને આપેલી માહિતી અનુસાર, આગામી 13 ડિસેમ્બરને શનિવારે પ્રથમ સત્રનો પ્રારંભ બપોરે 2 વાગ્યે થશે. આ સત્રના મુખ્ય વક્તાઓ છેઃ સ્વામી અક્ષયાનંદ સરસ્વતી, મહંત પીઠાધીશ્વર શ્રી જગદગુરુ આશ્રમ જયપુર, શ્રી સદાશિવ સન્યાસમઠ દિલ્હી, ગંગા સમદર્શન આશ્રમ ઉત્તરકાશી, પ્રો. સુકાન્તકુમાર સેનાપતિ (કુલપતિ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વેરાવળ) તેમજ ડૉ. ભાગ્યેશ ઝા (અધ્યક્ષ શ્રી ગુજરાત સાહિત્ય અકાદમી).
એ જ દિવસે બીજા સત્રમાં બપોરે 4:30થી 6:30 દરમિયાન પ્રણવભાઈ પટેલ (નેતૃત્વ વિકાસક, સંસ્થાપક, ચાણક્ય આન્વીક્ષિકી પ્રા. લિમિટેડ) "કૌટિલ્ય અર્થશાસ્ત્ર" વિષય ઉપર તથા ડૉ. લલિત પટેલ (પ્રાધાનાચાર્ય ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા મહિલા કોમર્સ કોલેજ ગાંધીનગર) "વિદુરનીતિ" વિષય ઉપર વક્તવ્ય આપશે.
13 ડિસેમ્બરને શનિવારે સાંજે 7:00 વાગ્યે ભક્તકવિ જયદેવ વિરચિત નૃત્યનાટિકા "ગીતગોવિંદમ્" નૃત્યભારતી એકેડેમીના કલાગુરુ શ્રી ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોર રજૂ કરશે. તેમજ રસાસ્વાદ કરાવશે સુ.શ્રી. નેહા કૃષ્ણકુમાર.

આ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલના બીજા દિવસે રવિવાર સવારથી મોડી સાંજ સુધી અનેકવિધ રસપ્રદ કાર્યક્રમોનું આયોજન થયું છે. 14 ડિસેમ્બર પ્રથમ સત્રનો સમય સવારે 10 થી 11:20 છે જેમાં "સંસ્કૃત સાહિત્યમાં ભક્તિ" વિષય પર સંસ્કૃતકવિ ડૉ. હર્ષદેવ માધવ અને ધવલકુમાર (સુંદરકાંડ તેમજ રામકથા વાચક) તેમના વિચારો રજૂ કરશે. સત્ર સંચાલન કરશે સુ.શ્રી. નેહા કૃષ્ણકુમાર. ત્યારબાદ 11:30 થી 12:30 વાગ્યાના સત્ર દરમિયાન "વેદો મેં સંવાદ" વિષય ઉપર GCERT ગાંધીનગરના અધ્યાપિકા ડૉ. અમી જોશી તેમના વિચારો રજૂ કરશે, જેનું અધ્યક્ષપદ ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આસુતોષ શાસ્ત્રી સંભાળશે.
રવિવારે બપોરે 2:00 થી 4:00ના સત્રમાં ડૉ. ઊર્મિ દવે (પંડિત દિનદયાલ યુનિ. અંગ્રેજી ભાષાવિભાગના અધ્યક્ષા) "વિવેક ચુડામણી" વિષય પર તેમના વિચારો રજૂ કરશે. બીજા વક્તા છે ડૉ. દીપેશ કતિરા (સહાયક પ્રાધ્યાપક, સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, IIT ખડગપુર). તેઓ "સંસ્કૃત પંક્તિયા જો સમગ્ર વિશ્વમેં ગુંજી" વિષય ઉપર રસાસ્વાદ કરાવશે. અને સત્રાધ્યક્ષ હશે ડૉ. અરુણ વર્મા (નિવૃત્ત પ્રાધ્યાપક, માધવમહાવિદ્યાલય ઉજ્જૈન).

સાંજે 4:30 થી 6:30 ના સત્રમાં "ભારતીય જ્ઞાન પરંપરા અસ્મિતા સ્તોત એવં મૂલ્ય" વિષય પર ડૉ. શિવાની શર્મા (પ્રાધ્યાપિકા દર્શન વિભાગ, સંયોજિકા, સ્વામી વિવેકાનંદ કેન્દ્ર – પંજાબ, ચંડીગઢ) તથા "વેદ કા યથાર્થ સ્વરૂપ" વિષય પર ડૉ. જ્વલંતકુમાર શાસ્ત્રી પોતાના વિચારો રજૂ કરશે.
14 ડિસેમ્બરે સાંજે 7:00 વાગ્યે મહાકવિ બોધાયન રચિત "ભગવદજ્જુકીયમ્" નાટક રજૂ થશે. શ્રી રાજુ બારોટ દ્વારા નિર્દેશિત આ નાટકનો રસાસ્વાદ ડૉ. મહેશ પટેલ દ્વારા કરાવવામાં આવશે.
બાળકોમાં પણ નાનપણથી સંસ્કૃત ભાષા પ્રત્યે રસ જાગે તે હેતુથી સંસ્કૃત ફૉર કિડ્સનું આયોજન થયું છે જેમાં "વેલ્યુ એજ્યુકેશન થ્રૂ સંસ્કૃત" ખાસ બાળકો માટે ડિઝાઇન કરેલું છે. આપણી સંસ્કૃતિ માટે ગૌરવ સમાન આ લિટરેચર ફેસ્ટિવલ નાગરિકો નિઃશુલ્ક માણી શકશે.