અમદાવાદઃ ગાઝા પીડિતના નામે મસ્જિદોમાંથી નાણા ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ, એકની અટકાયત
અમદાવાદઃ ઈઝરાયલ અને ગાઝા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમદાવાદમાં ગાઝા પીડિત તરીકે ઓળખ આપીને મસ્જિદોમાંથી નાણા પડાવતી સીરિયન ગેંગનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. તેમજ એક સીરિયન નાગરિકની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. આરોપી ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવ્યો હતો અને અમદાવાદમાં ગાઝા પીડિતના નામે પૈસા ઉઘરાવીને છેતરપીંડી આચરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે અલી મેગાટ અલઝહર નામના સીરિયન નાગરિકની અટકાયત કરી હતી. જેની પૂછપરછમાં ગાઝા પીડિત તરીકે ઓળખ આપીને મસ્જિદોમાંથી ફંડ ઉઘરાવતો હોવાનું ખુલ્યું હતું. અલીની ધરપકડ બાદ તેના 3 સાગરિતો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. વૈભવી જીવન જીવવા માટે આરોપીઓએ છેતરપીંડી આચરવા માટે નવી તરકીબ અજમાવી હતી. ખંડણીમાંથી મેળવેલા પૈસા કયા હેતુ માટે વાપરવામાં આવી રહ્યા હતા તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. અલી મેઘાટ અલઝહરની કસ્ટડી લેવા, બ્લેકલિસ્ટ કરવા અને દેશનિકાલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.