અમદાવાદઃ રાયખડની ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે મુલાકાત લીધી
અમદાવાદઃ શિક્ષણ મંત્રીએ જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ IT નિષ્ણાતોને સાથે રાખીને જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરી સંદર્ભે ગ્રાઉન્ડ લેવલે પડતી મુશ્કેલીઓને સમજી તેનો યોગ્ય નિકાલ કરી કામગીરી ઝડપી બનાવી શકાય તે માટે હકારાત્મક ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શિક્ષણ મંત્રી સાથે બેઠકમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિગ્પાલસિંહ જે. ચુડાસમા, ગુજરાત સરકારના ટેકનીકલ એક્સપર્ટ અને સિનિયર એડવાઈઝર ડૉ. રામજી સિંગ, ધીરજ રાઠોડ, હરિભાઈ પારેખ, જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર અને ગ્રામ્ય, DPEO, અમદાવાદ તેમજ ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ, રાયખડના આચાર્ય તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કામગીરીની સમીક્ષા સહિત શાળાઓને પડતી મુશ્કેલીઓની માહિતી મેળવીને તેના નિવારણની દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
શિક્ષણ મંત્રીએ ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ, રાયખડના કેમ્પસમાં આવેલ વોકેશનલ ગાઇડન્સ ઓર્ગેનાઈઝેશન સંસ્થાની પણ મુલાકાત લીધી હતી. શિક્ષણ મંત્રીએ સંસ્થા દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે જ, તેમણે NEP-2020માં સૂચવ્યા મુજબ કૌશલ્ય આધારિત શિક્ષણને સઘન બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યાં હતાં. આ ઉપરાંત, શિક્ષણ મંત્રીએ અમદાવાદ ખાતે નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.