અમદાવાદઃ બાળકીની શ્વાસનળીમાં ફસાયેલા મગફળીના દાણા કાઢી સિવિલ હોસ્પિટલે જીવ બચાવ્યો
અમદાવાદઃ વડગામના ખેડૂત દંપતીની 2 વર્ષની દીકરી જેન્સી સોલંકી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. તપાસમાં બાળકીની શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીના દાણા ફસાયેલા હોવાનું સામે આવતાં તાત્કાલિક ઓપરેશન કરાયું હતું. ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમે સફળ સર્જરી કરીને બાળકીને નવી જિંદગી આપી. ડોક્ટરોની સમયસૂચક કામગીરી અને આધુનિક સારવારથી હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે.
આ કેસ અંગે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ તેમજ પીડિયાટ્રિક સર્જરી વિભાગના હેડ અને પ્રોફેસર ડૉ. રાકેશ જોશીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના ખેડૂત દંપતી મોતીભાઈ અને માયાબેન સોલંકીની 2 વર્ષની પુત્રી જેન્સી છેલ્લા 7 થી 10 દિવસથી સતત ઉધરસથી પીડાઈ રહી હતી. સ્થાનિક ખાનગી દવાખાનામાં દવા લેવાઇ છતાં તકલીફમાં રાહત ન મળતા તેણે પછી વડનગરની જી.એમ.આર. હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સ્કેન અને તપાસ પછી ખબર પડી કે જેન્સીની શ્વાસનળીમાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ છે.
હાલત ગંભીર બનતા 27 જુલાઈના રોજ બાળકીને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહીં પીડિયાટ્રિક વિભાગના ડૉ. ધારા ગોસાઇ અને તેમની ટીમે તરત જ દર્દીને હાઇ ફ્લો એરવો સપોર્ટ આપ્યો અને સીટી સ્કેન કરાવ્યો હતો. સ્કેનમાં જોઈ શકાય તે મુજબ બાળકીની શ્વાસનળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીના દાણા ફસાઈ ગયેલા હતા. ત્યારબાદ ડો. રાકેશ જોશી અને ડો. શ્રેયસ દ્વારા બ્રોન્કોસ્કોપી કરીને બંને બાજુના બ્રોન્કસમાંથી મગફળીના સિંગદાણાના ટૂકડા કાઢવામાં આવ્યા અને ડો. ગોસ્વામી અને ડો.ભરત મહેશ્વરીની ટીમ ક્રિટિકલ એનેસ્થેસિયા આપ્યો હતો.
ઓપરેશન બાદ જેન્સીને એક દિવસ માટે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે અને શ્વાસ લેવામાં પણ કોઈ મુશ્કેલી નથી. બાળકીની સ્થિતિ સ્થિર હોવાના આધારે ડોક્ટરો દ્વારા તેને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. હવે જેન્સી ફરીથી હસતી-રમતી માતાપિતાની ગોદમાં ઘરે પરત ફરી છે. ડો. રાકેશ જોશીએ વધુમાં ઉમેર્યું કે , “જો થોડું પણ મોડું થાત તો બાળકીને બચાવવી ખૂબ જ મુશ્કેલ બની શકત. નાના બાળકોના માતાપિતા એ હંમેશાં તેમની આસપાસ પડતી વસ્તુઓ અને ખોરાક બાબતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ.”