ગુજરાતમાં ઉનાળાના આગમનના એંધાણ, તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો
- હવામાન વિભાગ કહે છે. આ વખતનો ઉનાળો આકરો રહેશે
- લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો
- 15મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં હવે શાળાની વિદાય અને ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. તાપમાનમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સુરતમાં 34.4 ડિગ્રી, રાજકોટમાં 34.6 ડિગ્રી, ભૂજમાં 35.2 ડિગ્રી અને અમદાવાદમાં 33.4 અને ડીસામાં 31.2 તાપમાન નોંધાયું છે. સૌથી વધુ તાપમાન વેરાવળમાં 36 ડિગ્રી નોંધાયું હતું. ગરમીની શરૂઆત થઈ ગઈ છે. બપોરના ટાણે ઉનાળા જેવી ગરમી અનુભવાઈ રહી છે. રાતના તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે. તેથી હવે રાતે પણ પંખા અને એસી ચાલુ રાખવાની ફરજ પડી રહી છે.
રાજ્યમાં એક જ દિવસમાં તાપમાનમાં સરેરાશ 2 થી 5 ડિગ્રીનો વધારો થયો છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. જમ્મૂ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાત પર તેની મોટી અસર જોવા મળી છે. અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં એક દિવસમાં 3.5 ડિગ્રીનો વધારો થયો છે. વહેલી સવારે લાગતી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે. જો કે, હાલના દિવસોમાં મિશ્ર ઋતુ રહેતી હોવાના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભાગમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં જ જો રાજ્યમાં તાપમાનની આ સ્થિતિ રહેશે તો આ વર્ષનો ઉનાળો વધુ આકરો રહેશે. એવું લાગી રહ્યું છે.
હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ આગામી તા. 19 ફેબ્રુઆરીથી ગરમીમાં વધારો થશે. મિશ્ર ઋતુને કારણે 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી હતું. તથા સૌથી વધુ મહતમ તાપમાન વેરાવળમાં 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના ચાર મહાનગરોમાં લઘુતમ અને મહતમ તાપમાન યથાવત્ રહ્યું હતું. અમદાવાદમાં લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ તથા મહતમ તાપમાન 32.4 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને મહતમ તાપમાન 32.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં લઘુતમ તાપમાન 15.7 ડિગ્રી સેલ્સિયસ અને મહતમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ તથા સુરતમાં લઘુતમ તાપમાન 19.6 ડિગ્રી સેલ્સિયસ અને મહતમ તાપમાન 34.4 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.