સૌરાષ્ટ્રમાં કૃષિ વીજ પુરવઠો 10 કલાક અપાતા દૈનિક 5.2 કરોડ યુનિટનો વપરાશ
- મહેસાણા જિલ્લામાં કાલથી ખેતીવાડી વીજ પુરવઠો 10 કલાક અપાશે,
- ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 74.85 લાખ હેક્ટર એટલે કે ૮૭.૪૮ ટકામાં કૃષિ વાવેતર,
- તેલીબીયા પાકનું વાવેતર 26.94 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં વીજળી સંદર્ભે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગત્ કેબિનેટ બ્રિફિંગમાં સૌરાષ્ટ્રના ખેડુતોને 8ની જગ્યાએ 10 કલાક વીજળી આપવાનો હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત તા. 09 ઓગષ્ટ, 2025થી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારી 10 કલાક આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જેના પરિણામે ખેતીવાડી વીજ વપરાશ દૈનિક 4.4 કરોડ યુનિટથી વધીને 5.2 કરોડ યુનિટ જેટલો થયો છે. આ ખેડૂતલક્ષી નિર્ણયથી અંદાજે 12 લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળી રહ્યો છે.
વધુમાં પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, આગામી તા. 14 ઓગષ્ટથી મહેસાણા જિલ્લામાં પણ ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મહેસાણા જિલ્લાના આશરે 43 હજાર ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળશે.
રાજ્યમાં કૃષિ વાવેતરની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશમાં, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 85.57 લાખ હેક્ટર નોર્મલ વાવેતર વિસ્તારની સામે કુલ 74.85 લાખ હેક્ટર એટલે કે 87.48 ટકામાં કૃષિ પાકોનું વાવેતર થયું છે. જેમાં તેલીબીયા પાકનું વાવેતર 26.94 લાખ હેક્ટર વિસ્તારમાં, મગફળીનું 20.54 લાખ હેક્ટરમાં, કપાસનું 20.58 લાખ હેક્ટરમાં, ધાન્ય પાકનું 12.88 લાખ હેક્ટરમાં, ડાંગરનું 8.44 લાખ હેક્ટરમાં, મકાઇનું 2.72 લાખ હેક્ટરમાં, કઠોળ પાકનું 3.48 લાખ હેક્ટરમાં તેમજ ઘાસચારાનું વાવેતર 8.02 લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આમ, ખરીફ ઋતુમાં હાલની સ્થિતિએ કૃષિ પાકોનું ખૂબ જ સારું વાવેતર નોંધાયેલ છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.