અમેરિકા અને યુરોપિય સંઘ વચ્ચે ટેરિફ પર બની સહમતિ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યૂરોપિય સંઘ વચ્ચે મોટી અને ઐતિહાસિક વેપાર સમજૂતી થઈ છે. આ સમજૂતીને ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર ગણાવ્યો છે. જે બંને પક્ષો માટે મહત્ત્વનો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, સમજૂતી અંતર્ગત EU 600 અરબ ડોલરનું રોકાણ કરશે અને તમામ દેશોના વેપાર બજાર ખૂલી જશે તેમજ યૂરોપિય સંઘ ઉપર તમામ ક્ષેત્રમાં 15 ટકા ટેરિફ લગાવવામાં આવશે અને EU અમેરિકા પાસેથી શસ્ત્રોની ખરીદી પણ વધારશે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાટાઘાટોને "ખૂબ જ રસપ્રદ" ગણાવી અને કહ્યું કે, "મને લાગે છે કે આ બંને પક્ષો માટે ખૂબ જ સારી રહેશે." બીજી બાજુ, વોન ડેર લેયેને તેને "અત્યાર સુધીનો સૌથી મોટો કરાર" ગણાવ્યો અને ટ્રમ્પને "કઠિન પરંતુ ન્યાયી વાટાઘાટકાર" ગણાવ્યા હતા. વ્હાઇટ હાઉસે યુરોપિયન વસ્તુઓ પર ભારે ટેરિફ લાદવા માટે 1 ઓગસ્ટની સમયમર્યાદા નક્કી કરી હતી. જો વાટાઘાટો નિષ્ફળ જાય, તો EU પણ બીફ, ઓટો પાર્ટ્સ, બીયર અને બોઇંગ વિમાનો જેવા સેંકડો US ઉત્પાદનો પર બદલો ટેરિફ લાદવા માટે તૈયાર હતું. ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી અમેરિકાની વેપાર ખાધ ઘટાડવા માટે મુખ્ય ભાગીદાર દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યા છે. તેમણે યુરોપ સાથેના વેપારને "એકતરફી અને અમેરિકા પ્રત્યે અન્યાયી" ગણાવ્યો હતો.
US વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે પુષ્ટિ કરી કે, જો કોઈ કરાર ન થયો હોત તો 01 ઓગસ્ટથી ટેરિફ ચોક્કસપણે લાદવામાં આવ્યા હોત. તેમણે વધુમાં કહ્યું કે, "હવે કોઈ વિસ્તરણ નહીં અને વધુ કોઈ છૂટછાટો નહીં." જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે, "લોકો હજુ પણ પ્રમુખ ટ્રમ્પ સાથે વાત કરી શકે છે. તેઓ હંમેશા સાંભળવા તૈયાર છે." ઉર્સુલા વોન ડેર લેયેન સાથેની બેઠકમાં EUના ટોચના વેપાર વાટાઘાટકાર મારોસ શેફકોવિક, ઉર્સુલાના ચીફ ઓફ સ્ટાફ બ્યોર્ન સાઈબર્ટ, વેપાર માટેના ડિરેક્ટર જનરલ સબીન વેયન્ડ અને અમેરિકામાં EUના કૃષિ વડા થોમસ બાર્ટ પણ હાજર હતા.