સંભલમાં હિંસા બાદ બહારના લોકોના પ્રવેશ અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ ફરમાવાયો
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈને હિંસક અથડામણ થઈ હતી. આ હિંસા બાદ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. સંભલમાં 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આદેશ મુજબ જિલ્લામાં બહારના લોકો, સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રશાસને અતિસંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે.
સીસીટીવી દ્વારા આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે
હિંસા અને પથ્થરબાજી બાદ અટકાયતમાં લેવાયેલા લોકોના ઘરોમાંથી હથિયારો મળી આવ્યા છે. બદમાશો સામે NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હિંસામાં ચાર યુવકોના મોત થયા છે અને પથ્થરમારાની ઘટનામાં 20 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને તમામ શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. બે મહિલાઓ સહિત 21 લોકોની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી દ્વારા આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
મસ્જિદનો સર્વે કરવા આવેલી ટીમ પર પથ્થરમારો કર્યો હતો
જોકે 23 નવેમ્બર, રવિવારની સવારે કેટલાક અસામાજિક તત્વોએ સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદનો સર્વે કરવા આવેલી ટીમ પર પથ્થરમારો કર્યો હતો. સર્વે ટીમને પોલીસની સાથે બીજી બાજુના લોકોએ ઘેરી લીધી અને પછી પથ્થરમારો શરૂ થયો. આ ઘટના બાદ સ્થિતિ તંગ બની હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. એડવોકેટ વિષ્ણુ શંકર જૈને સિવિલ જજ, સંભલની કોર્ટમાં અરજી દાખલ કર્યાના દિવસો બાદ આ સર્વે કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહી જામા મસ્જિદ મંદિરની જગ્યા પર છે.
હિંદુ પક્ષે કોર્ટમાં જામા મસ્જિદને હરિહર મંદિર હોવાનો દાવો
હિન્દુ પક્ષનો દાવો છે કે શાહી જામા મસ્જિદ હરિહર મંદિર છે. આ સંદર્ભે રવિવારે સવારે 7.30 વાગ્યાથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મસ્જિદની બહાર ભીડ એકઠી થવા લાગી અને સર્વે સામે હોબાળો શરૂ થયો હતો. અધિકારીઓએ ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કેટલાક લોકોએ પોલીસ ટીમને નિશાન બનાવીને પથ્થરમારો શરૂ કર્યો. હિંદુ પક્ષે કોર્ટમાં જામા મસ્જિદને હરિહર મંદિર હોવાનો દાવો કર્યા બાદ કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. 19 નવેમ્બરની રાત્રે મસ્જિદમાં સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે કરવા માટે ટીમ રવિવારે ફરીથી મસ્જિદ પહોંચી હતી. આ સર્વે માટે મસ્જિદ કમિટીએ પણ પોતાની સંમતિ આપી દીધી છે અને બંને પક્ષકારોની હાજરીમાં મસ્જિદનો સર્વે કરવામાં આવી રહ્યો છે.