બજેટ રજુ થયા બાદ શેર બજારમાં ઉથલ-પાથલ બાદ નીચા સ્તરથી 434 પોઈન્ટ રિકવર થયુ
• નિફ્ટી 10 પોઈન્ટમાં ઘટાડો થયો
• IT સેક્ટરમાં સૌથી વધુ વેચાવલી
• સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર નીચે અને 15 ઉપર થયા
નવી દિલ્હીઃ લોકસભામાં આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26નું બજેટ રજુ કરતા શેર બજારમાં ઉથળ-પાથલ જોવા મળી હતી. શેરબજારમાં દિવસના 77,006 ના નીચલા સ્તરથી 434 પોઈન્ટની રિકવરી જોવા મળી રહી છે. હાલમાં, સેન્સેક્સ લગભગ 60 પોઈન્ટના ઘટાડા સાથે 77,440 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટીમાં 10 પોઈન્ટનો ઘટાડો છે, તે 23,500 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર નીચે અને 15 ઉપર છે. નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેરોમાં ઘટાડો અને 23 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. NSE સેક્ટોરલ ઇન્ડેક્સના IT સેક્ટરમાં સૌથી વધુ 1.02%નો ઘટાડો થયો.
નાણા મંત્રીએ બજેટમાં પૂર્વ ભારતમાં યુરિયા પ્લાન્ટ ખોલવાની યોજનાની જાહેરાત કરતા જ ખાતર કંપનીઓના શેરમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. યુરિયા ખાતરમાં જાન્યુઆરી મહિનામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ફર્ટિલાઇઝર શેર્સ જેવા કે રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF), મદ્રાસ ફર્ટિલાઇઝર્સ, મેંગલોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, નેશનલ ફર્ટિલાઇઝર્સના શેરમાં તોફાની વધારો જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે શનિવારના દિવસે શેરબજાર બંધ રહે છે પણ આજે 1 ફેબ્રુઆરી, શનિવારે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું હોવાથી શેરબજાર ખુલ્યું છે. કેન્દ્રીય બજેટ અને શેરબજારને સીધો સંબંધ છે. બજેટ રજૂ થતું હોય ત્યારે સવારે 11 વાગ્યાથી શેરબજારમાં ટ્રેન્ડ બદલાતો દેખાય છે. આમ તો, બજેટ રજૂ થાય તે પહેલાં જ શેરબજારમાં ઘણી ઉથલપાથલ જોવા મળે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણ તેમના કાર્યકાળનું આઠમું બજેટ છે. છેલ્લા દાયકામાં બજેટના દિવસે શેરબજારનો ટ્રેન્ડ બદલાતો રહ્યો છે. સેન્સેકસમાં પાંચ વખત જોરદાર ઉછાળો થયો છે, તો પાંચ વખત સ્ટોક માર્કેટે પછડાટ ખાધી છે. 2021માં શેરબજારમાં મહત્તમ 5 ટકાનો વધારો થયો હતો, જ્યારે આ પહેલા 2020માં તેમાં 2.43 ટકાનો ઘટાડો થયો હતો. જે બજેટના દિવસે તેનો સૌથી મોટો ઘટાડો હતો.