પહેલગામ હુમલા પછી ભારત પર 10 લાખથી વધુ સાયબર હુમલા થયા, સાયબર ગુનેગારો થયા સક્રિય
મુંબઈઃ પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતને લક્ષ્ય બનાવીને 10 લાખથી વધુ સાયબર હુમલા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સાયબર સેલે આવા અનેક ઓનલાઈન હુમલાઓ રેકોર્ડ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન સહિત ઘણા દેશોના હેકિંગ જૂથોએ ભારતીય સિસ્ટમો પર 10 લાખથી વધુ સાયબર હુમલા કર્યા હતા.
રાજ્ય પોલીસની સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન વિંગ, મહારાષ્ટ્ર સાયબરે 22 એપ્રિલના રોજ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા પછી ડિજિટલ હુમલાઓની ઘટનાઓમાં વધારો જોયો છે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સાયબર વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક યશસ્વી યાદવે જણાવ્યું હતું કે, 'પહલગામ હુમલા પછી ભારત પર 10 લાખથી વધુ સાયબર હુમલા થયા છે.'
તેમણે કહ્યું કે ભારતીય વેબસાઇટ્સ અને પોર્ટલને નિશાન બનાવતા આ હુમલાઓ પાકિસ્તાન, મધ્ય પૂર્વ, ઇન્ડોનેશિયા અને મોરોક્કોમાંથી કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઘણા હેકિંગ જૂથો પોતાને ઇસ્લામિક જૂથો તરીકે ઓળખાવે છે. તેમણે કહ્યું કે આ એક સાયબર યુદ્ધ હોઈ શકે છે. મહારાષ્ટ્ર સાયબરે આમાંના ઘણા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. નોડલ ઓફિસે તમામ સરકારી વિભાગો માટે એક સલાહકાર તૈયાર કરી છે, જેમાં તેમને તેમના સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનું કહેવામાં આવ્યું છે.