માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ બાદ દ્વારકામાં શોભાયાત્રા યોજાઈ
- ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો સત્કાર સમારોહ યોજાયો
- આહિર સમાજ દ્વારા પરંપરાગત સામૈયુ કરાયું
- ભગવાનની શોભાયાત્રા ઢોલ-નગારા સાથે નિકળી
દ્વારકાઃ માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજીના વિવાહ ધામધૂમથી ઊજવાયા હતા. આ પ્રસંગે 5 દિવસનો લોકમેળો પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા પણ સાંકૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ સંપન્ન થયા બાદ જાન દ્વારકા પરત ફરતા ભગવાન શ્રીકૃષ્ણ - દેવી રુક્મણીજી સત્કાર સમારોહના ભાગરૂપે શોભાયાત્રા યોજાઇ હતી.
યાત્રાધામ દ્વારકાના હાથી ગેટ ખાતે શોભાયાત્રાનું આહિર સમાજ દ્વારા પરંપરાગત વિધિથી સામૈયું કરવામાં આવ્યું હતું. વિવિધ સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા શ્રીકૃષ્ણ - દેવી રુક્મણીજીને ઉત્સાહભેર કંકુ તિલક કરીને ઢોલ નગારા અને પુષ્પવર્ષા સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ શોભાયાત્રા દ્વારકા શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી. આ યાત્રાનું દ્વારકાધીશ મંદિર, ભદ્રકાલી ચોક, રબારી ગેટ અને રુકમણી મંદિર ખાતે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ, વેપારીગણ, નગરજનો દ્વારા પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા રુક્મણી મંદિર ખાતે સમાપન થઈ હતી જ્યાં ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીને દ્વારકાની નગરીમાં નિવાસ માટે મીઠો આવકાર આપ્યો હતો. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પબુભા માણેક, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.