વીંછિયામાં પથ્થરમારાની ઘટના બાદ એસઆરપીનો સઘન બંદોબસ્ત ગોઠવાયો
- પોલીસ સ્ટેશન પર પથ્થરમારાની ઘટનામાં 60ની ધરપકડ
- લેન્ડ ગ્રેબિંગના ફરિયાદીની હત્યા બાદ આરોપીનો વરઘોડો ન કઢાતા મામલો બિચક્યો હતો
- વીંછિયામાં કર્ફ્યુ જેવો માહોલ
જસદણઃ વીછિંયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારાનો બનાવ તાજેતરમાં બન્યો હતો. લેન્ડ ગ્રેબિંગના ફરિયાદીની હત્યા થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન ગઈ તા. 6 જાન્યુઆરીના રોજ આરોપીઓનો વરઘોડો કાઢવા માટે ગામ લોકોએ વીંછિયા પોલીસને માગ કરી હતી. જ્યાં પોલીસે કહ્યું હતું કે, કાયદા મુજબ કામ થશે, કાયદા વિરુદ્ધ કંઇ થશે નહીં. જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યા બાદ ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલે પોલીસે 84 વ્યક્તિઓની સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધી હતી. અને 52થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. વીછિંયામાં પોલીસ અને એસઆરપીનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ બનાવની વિગતો એવી હતી કે, વીંછિયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારા ઘનશ્યામ રાજપરાની 8 આરોપીએ નિર્મમ હત્યા કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી, દરમિયાન સોમવારે કોળી સમાજના લોકોએ પકડાયેલા આરોપીઓનું સરઘસ કાઢવાની માગણી કરી હતી જે પોલીસે ન સ્વીકારતાં પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આથી ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહ્યા બાદ એસઆરપીની એક ટુકડી, 3 ડીવાયએસપી, પાંચ પીઆઇ, 10 પીએસઆઇનો કાફલો ગામમાં તૈનાત કરી દેવાયો છે અને ગામમાં સ્વૈચ્છિક કર્ફ્યુ જેવો માહોલ છવાયો છે.
આ ઘટનામાં પોલીસે પથ્થરમારો કરનારા 84 શખ્સ સામે નામજોગ રાયોટિંગ, ગુનાહિત કાવતરું રચવું, મારામારી તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી 60ની ધરપકડ કરી હતી અને 58 લોકોને જસદણ કોર્ટમાં રજૂ કરી ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.તેમજ લોકોને ઉશ્કેરનારા બે શખ્સના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે. ઉપરાંત સી.સી.ટી.વી.માં દેખાતા શખ્સો સામે પણ હજુ તપાસ બાદ ગુનો દાખલ કરવામાં આવશે.