દિવાળીના તહેવારો બાદ શાકભાજીના ભાવ ઘટવાનું નામ પણ લેતા નથી
- રિટેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં કિલોએ 15થી 20 સુધીનો વધારો,
- અન્ય શાકભાજીના ભાવોમાં પણ તેજીના ભાવે સોદા થયા હતા,
- શાકભાજીમાં ખેડુતો કરતા રિટેઈલ વેપારીઓ વધુ કમાય છે
અમદાવાદઃ મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. એમાંયે શિયાળાની સીઝનમાં શાકભાજીના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીઓ કહી રહ્યા છે, કે શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. બીજીબાજુ શાકભાજીમાં ખેડુતો નથી કમાતા એટલા રિટેલ શાકભાજી વેચતા વેપારીઓ અને ફેરિયાઓ કમાણી કરી રહ્યા છે. છૂટક શાકભાજી વેચતા ફેરિયાઓએ તો કિલોએ 15થી 20 રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે. સામાન્ય રીતે દિવાળી બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો થયો હોય છે. પણ શાકભાજીના ભાવ ઘટવાનું નામ લેતા નથી.
સમગ્ર ગુજરાત રાજ્યના શાકભાજી માર્કેટયાર્ડમાં શાકભાજીની આવકમાં વધ- ઘટ જોવા મળી રહી છે. શાકભાજીના ઉત્પાદનની સાથે સાથે તેની ક્વોલિટીમાં ફર્ક પણ પડ્યો છે અને દિવાળીના તહેવારો બાદ શાકભાજીના ભાવ વધ્યા છે. રિટેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં રૂ.15 થી 20નો વધારો નોંધાયો છે. જેમાં ખાસ કરીને રીંગણના ભાવમાં વધારો નોંધાયો છે. રીંગણનો ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રિટેલ માર્કેટમાં નોંધાયો છે.
સૌરાષ્ટ્રના તમામ શાક માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમે માત્ર શાકભાજીની હરાજી થઇ હતી. જેમાં તેજી જોવા મળી હતી. 20 કિલો ડુંગળી અને રીંગણાના ભાવ 500થી 600 બોલાયા હતા. જ્યારે ધાણા અને ગવારના ભાવ રૂ.1000 થયા હતા. અન્ય શાકભાજીના ભાવોમાં પણ તેજીના મુહૂર્તના સોદા થયા હતા. જ્યારે રાજકોટ સહિતના શહેરોમાં પણ રિટેલ વેચાતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.