ડીસાની ઘટના બાદ સુરત મ્યુનિએ ફટાકડાની દુકાનો, ગાડાઉનનો સર્વે કરી યાદી બનાવી
- ફટાકડાનું લાયસન્સ નહીં હોય તો કાર્યવાહી કરાશે
- ફટાકડાના ગોદામની એનઓસી ન હોય તો મિલકત સીલ કરાશે
- મ્યુનિની કાર્યવાહીથી ફટાકડાના વેપારીઓમાં ફફડાટ
સુરતઃ તાજેતરમાં ડીસામાં ફટાકડાના ફેકટરીમાં આગ લાગતા 21 શ્રમિકો મોતને ભેટ્યા હતા, આ બનાવ બાદ ફરી આવી ઘટના ન બને તે માટે તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે સુરત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ફટાકડાના વેપારીઓ અને તેમના ગોદામમાં તપાલ હાથ ધરી છે. મ્યુનિના ફાયર વિભાગે ફટાકડા વેચાણ-સ્ટોરેજની દુકાન-ગોડાઉનનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અને સર્વેમાં બહાર આવેલી મિલ્કતોના પુરાવા ચેક કરાશે ક્ષતિ હોય તો મિલકત સીલ કરવા સૂચના આપવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકો મોતને ભેટ્યા હતા.આથી ગાંધીનગરથી તમામ મહાનગરપાલિકાઓ, પાલિકાઓ તેમજ પોલીસને આદેશ આપીને ગેરકાયદે ફટાકડાનું વેચાણ કે સંગ્રહ થયો હોય તો ત્વરિત પગલાં લેવાનો આદેશ આપ્યો છે. ત્યારે સુરત શહેરમાં આવા કોઈ પણ અણધાર્યા અકસ્માત નહીં થાય તે સુનિશ્ચિત કરવા માટે સુરત મ્યુનિના ફાયર વિભાગે કામગીરી શરૂ કરી છે. સુરત મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં ફટાકડા, વિસ્ફોટકોનો વેચાણ કરતી દુકાનો, સ્ટોરેજ ગોડાઉન, ઉત્પાદન કરતી ફેક્ટરી, એકમોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપી છે. હાલ ફાયર વિભાગના કર્મચારીઓ ફટાકડાની દુકાનો અને ગોદામોનો સર્વે કરી રહ્યા છે. અને તેની યાદી બનાવવામાં આવશે. આ સર્વે દરમિયાન આ ફટાકડા વેચાણ, સ્ટોરેજ, કે ગોડાઉન પાસે મ્યુનિની એન.ઓ.સી. છે કે નહીં તથા લાયસન્સ છે કે નહીં તેની વિગત રોજે રોજ આપવા સુચના આપી છે. જો આ મિલકતમાં કોઈ ક્ષતિ મળી આવે તો એકમ કે મિલ્કત સીલ કરીને કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.