ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ વલસાડમાં એક સાથે 5 બ્રિજ ભારે વાહનો માટે કરાયા બંધ
- નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ સાથે બેઠક કરીને નિર્ણ લેવાયો,
- જિલ્લા કલેક્ટર દ્વારા 5 મુખ્ય બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવાની સૂચના,
- તમામ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ શરૂ કરવામાં આવ્યું
વલસાડઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21 લોકોનો ભોગ લેવાયા બાદ સરકાર વધુ એલર્ટ બની છે. અને આવા કોઈ બનાવો ફરીવાર ન બને તે માટે તમામ બ્રિજનું ચેકિંગ કરીને મજબુતાઈ તપાસવામાં આવી રહી છે. સરકારે બ્રિજ જર્જરિત લાગે તો ત્વરિત વાહન વ્યવહાર માટે બંધ કરવાની તંત્રને સુચના આપી છે. ત્યારે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં નેશનલ હાઇવે 56 પર આવેલા 5 મુખ્ય બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર બંધ કરવામાં આવ્યો છે. હાઈવે પરના 5 મુખ્ય બ્રિજ પર બંધ કરીને ડાયવર્ઝન અપાતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં વર્ષો જુના બ્રિજનો ફિઝિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તમામ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા ટેક્નિકલ સર્વે પણ હાથ ધરાયો છે. જિલ્લા કલેક્ટર વૈભવ વર્મા દ્વારા વલસાડના 5 મુખ્ય બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય NHAI અને નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ સાથે બેઠક કરીને લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, વલસાડમાં 235 બ્રિજ છે. જેમાંથી 162 મુખ્ય બ્રિજ છે. જેમાં વલસાડ-લીલાપોર બ્રિજ, વાપી નજીક દેગામ ખાડીનો બ્રિજ, કોકલ નદીનો બ્રિજ, ધરમપુર પાસે કરંજવેરીનો બ્રિજ અને તાન નદીનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
આ સિવાય નાનાપોંઢા નજીક વડખંભા પાર નદીના બ્રિજને સ્ટેબિલિટી ચેક સુધી બંધ રખાયો છે. જ્યાં સુધી આ બ્રિજનું સમારકામ પૂરું ન થાય અને ફરી તમામ વાહનો માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી લોકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.