સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાનને મળી ધમકી, પોલીસે તપાસ શરૂ કરી
મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર સમાલન ખાનને છેલ્લા કેટલાક દિવસોથી સતત ધમકી મળી રહી છે. મુંબઈમાં એનસીપીના નેતા બાબા સીદીકીની હત્યા બાદ સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. બાબા સીદ્દીકીની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કરી હતી. સલમાન ખાન બાદ હવે બોલીવુડના કિંગખાન ગણાતા સુપરસ્ટાર શાહરૂખ ખાનને પણ ધમકી મળી હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે બાંદ્રા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન શાહરૂખ ખાનને ધમકી આપવા મામલે પોલીસે રાયપુરથી એક વ્યક્તિની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શાહરૂખ ખાનને ધમકી આપવા મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. રાયપુરના ફૈઝાન નામના શખ્સે ધમકી ભર્યો કોલ કર્યો હતો. આ ફોન શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝની ઓફિસમાં કરાયો હતો, ધમકી ભર્યા ફોનના પગલે દોડધામ મચી ગઈ હતી. સમગ્ર મામલે મુંબઈ પોલીસે ગુનો નોંધીને તપાસ છત્તીસગઢના રાયપુર સુધી લંબાવી હતી. પોલીસે કોલ ટ્રેસ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
કાળા હરણના શિકાર મામલે લોરેન્સ ગેંગ દ્વારા સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી. દરમિયાન સલમાન ખાન સાથે નજીકનો સંબંધ ધરાવતા બાબા સીદ્દીકીની લોરેન્સ ગેંગે ગોળીમારીને હત્યા કરી હતી. પોલીસે આ પ્રકરણમાં કેટલાક આરોપીઓની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. બીજી તરફ સલમાન ખાનને છેલ્લા કેટલાક દિવસોથી લોરેન્સ ગેંગના નામે ધમકી આપવામાં આવી રહી છે.