ઘાટલોડિયામાં ઢોંસા ખાધા બાદ ઝાડા ઊલટીની ફરિયાદો મળતા મ્યુનિએ હોટલને સીલ કરી
- સુરધારા સર્કલ પાસે મેપલ ટ્રેડમાં આવેલી હોટલમાં ગંદવાડ જોવા મળ્યો,
- સાંભાર, કોકોનેટ ચટણી, ગ્રીન ચટણી અને ઢોસાના ખીરાના નમૂના પરિક્ષણ માટે મોકલાયા
- એએમસીના ફુડ વિભાગે 207 ધંધાર્થીને નોટિસ ફટકારી
અમદાવાદઃ શહેરમાં ઘણી રેસ્ટોરન્ટ કે હોટલોમાં પુરતી સ્વચ્છતા ન રાખવાથી ડીનર,લંચ કે પછી નાસ્તો કરવા આવતા લોકો બિમાર પડતા હોય છે. ઘણી હોટલ-રેસ્ટોરન્ટમાં અનહાઇજેનિક કન્ડિશનમાં ખાવાનું બનાવવામાં આવતું હોય છે. ત્યારે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સુરધારા સર્કલ પાસે મેપલ ટ્રેડમાં આવેલી એક હોટલમાં ઢોસા ખાધા બાદ કેટલાક લોકોને ઝાડા-ઊલટી થયા હતા. આ મામલે ફરિયાદ મળતા મ્યુનિ.ના ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હોટલમાં અનહાઈજનિક કન્ડિશન મળી આવી હતી, જેના પગલે મ્યુનિ.ના ફુડ વિભાગે તાત્કાલિક હોટલને સીલ કરી છે. હોટલમાંથી સાંભાર, કોકોનેટ ચટણી, ગ્રીન ચટણી અને ઢોસાના ખીરાના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ શહેરમાં કેટલીક હોટલો અને રેસ્ટોરન્ટ્સના કીચનમાં પુરતી સ્વચ્છતા જાળવવામાં આવતી નથી. અને અનહાઈજેનિક ફુડ આરોગવાને લીઘે હોટલમાંથી ફુડ લીધા બાદ લોકો બીમાર પડતા હોય છે. આ અંગે એએમસીના ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી હોટલમાં ઢોંસા ખાધા બાદ કેટલાક લોકોને ઝાડા-ઊલટીનો ભોગ બન્યાની ફરિયાદો મળી હતી. જેથી ફુડ વિભાગ દ્વારાચેકિંગ કરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક કન્ડિશન મળી આવતા હોટલને સીલ કરવામાં આવી છે તેમજ વિવિધ નમુના પણ લેવામાં આવ્યા છે.
શહેરમાં AMCના ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો હોટલો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી નમુના લેવામાં આવતા હોય છે. જાન્યુઆરી મહિનામાં છેલ્લાં 10 દિવસમાં હોટલ-રેસ્ટોરન્ટ અને દુકાનોમાં ચેકિંગ કરીને સાત જગ્યા સીલ કરવામાં આવી છે. ફૂડ સેફટી એક્ટ હેઠળનું લાઇસન્સ વિના અને અનહાઇજેનિક કન્ડિશન હોવાના કારણે સીલ મારવામાં આવી છે. 19 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીમાં 713 ખાદ્ય એકમોની તપાસ કરી હતી. ફુડ વિભાગ દ્વારા સૌથી વધારે મધ્યાહન ભોજનના 35 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત દૂધ અને દૂધની બનાવટના 20, મસાલા- સોલ્ટના 14, નમકીનના 10, મીઠો માવો-અંજીર પાકના 2, ખાદ્ય તેલના 3, અન્ય 54 એમ કુલ 141 નમૂના લેવામાં આવ્યા છે. ફુડ વિભાગની ટીમ દ્વારા આ સમયગાળા દરમિયાન 207 જગ્યાને નોટિસ આપી છે. 377 કિલો અને 360 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નિકાલ કર્યો છે. રૂ. 1.45 લાખ વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. ફૂડ વિભાગ દ્વારા વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાન સહિત 268 જગ્યાએ TPC તપાસ્યા હતા.