ભારત બાદ હવે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન સામે ક્રિકેટ સીરિઝ રમવાનો કર્યો ઈન્કાર
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધતા સરહદી તણાવનો હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર સીધી અસર જોવા મળી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ જાહેરાત કરી છે કે, તે નવેમ્બર મહિનામાં યોજાનાર ટ્રાય સિરીઝમાં હવે ભાગ નહીં લે. આ નિર્ણય અરગૂન જિલ્લામાં થયેલા તાજેતરના હવાઈ હુમલા બાદ લેવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોના મોત થયા હતા. આ દુર્ઘટનાએ આખા ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે.
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે યોજાનારી આ ટ્રાય સિરીઝ 17 થી 29 નવેમ્બર દરમિયાન પાકિસ્તાનમાં થવાની હતી. અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાનની મુલાકાત લેવાની હતી, અને પ્રથમ મેચ 17 નવેમ્બરે પાકિસ્તાન સામે રમાવાની હતી. પરંતુ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ઇન્કાર પછી હવે આખી સિરીઝ રદ્દ થવાની શક્યતા ઊભી થઈ છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો પહેલેથી જ નાજુક સ્થિતિમાં છે. નોંધનીય છે કે ભારત પણ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય સિરીઝ નથી રમી રહ્યું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ હજી સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડ ટૂંક સમયમાં આપાત બેઠક બોલાવી શકે છે. જો આ સિરીઝ રદ્દ થાય છે, તો PCB ને પ્રસારણ હક, ટિકિટ વેચાણ અને સ્પોન્સરશિપમાં કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી શકે છે. અફઘાનિસ્તાનના આ નિર્ણયથી સાબિત થયું છે કે, બંને દેશો વચ્ચેનો તણાવ હવે ફક્ત સરહદ સુધી સીમિત નથી રહ્યો, પરંતુ રમતગમતના સંબંધો પર પણ તેનો ગંભીર અસર પડી રહ્યો છે.