ટ્રાન્સપ્લાન્ટથી હાથ મેળવ્યા બાદ પ્રકાશના જીવનમાં આવ્યો ઉજાશ
મહારાષ્ટ્રના પૂણેમાં વર્ષ 2019માં એક દૂર્ઘટનામાં પોતાના હાથ-પગ ગુમાવનાર પ્રકાશ શેલાર નામના યુવાને વર્ષ 2021માં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. વર્ષ 2021માં સુરતનો એક કિશોર બ્રેનડેડ જાહેર થતા પરિવારજનોએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરીને બ્રેનડેડ કિશોરના અંગોનું દાન કરાયું હતું. જેથી આ કિશોરના હાથ પ્રકાશ શેલારમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આજે ટ્રાન્સપ્લાન્ટના 3 વર્ષ બાદ હાથ વડે સામાન્ય કામ કરી શકે છે.
પૂણેની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા પ્રકાશ શેલારને નવેમ્બર 2019માં વીજકરંટ લાગ્યો હતો. આ દૂર્ઘટનામાં પ્રકાશે પોતાના બંને હાથ અને પગ ગુમાવ્યાં હતા. એટલે તેણે મુંબઈની હોસ્પિટલમાં હાથ ટ્રાન્સપ્લાન્ટ માટે નોંધણી કરાવી હતી. દરમિયાન ઓક્ટોબર 2021માં સુરતમાં 14 વર્ષનો ધાર્મિક કાકડિયાને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી પરિવારજનોએ તેના હાથનું દાન કરવાનું નક્કી કર્યું હતું. તેમજ ડોનેટલાઈફ સંસ્થાનો સંપર્ક કર્યો હતો.
સંસ્થાના પ્રયાસોને પગલે પૂણેના પ્રકાશ શેલારને નવા હાથ મળ્યાં હતા. હાથ ટ્રાન્સપ્લાન્ટના 3 વર્ષ બાદ આજે બંને હાથથી સામાન્ય કામ કરી શકે છે. થોડા સમય પહેલા ડોનેટલાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલા પૂણે પ્રકાશ શેલારને મળવા ગયા હતા. આ વખતે પ્રકાશ શેલારએ કહ્યું હતું કે, આજે હાથથી સામાન્ય કામ કરવાની સાથે 10 કિલો સુધીનું વજન ઉચકી શકું છું. એટલું જ નહીં સ્કૂટર પણ હંકારી શકું છું. આમ સુરતના બ્રેનડેડ કિશોરના હાથના દાનથી પૂણેના પ્રકાશની જીંદગીમાં નવુ અજવાળુ પથરાયું છે.