For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ફિલિસ્તીનને માન્યતા આપવાની ફ્રાંસ, બ્રિટન પછી હવે કેનેડાની જાહેરાત

02:11 PM Jul 31, 2025 IST | revoi editor
ફિલિસ્તીનને માન્યતા આપવાની ફ્રાંસ  બ્રિટન પછી હવે કેનેડાની જાહેરાત
Advertisement

ફ્રાંસ અને બ્રિટન પછી હવે કેનેડા અને માલ્ટાએ પણ ફિલિસ્તીનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બરમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કેનેડા ફિલિસ્તીનને ઔપચારિક રીતે માન્યતા આપશે. ગત દસ દિવસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં અને બ્રિટેનના પ્રધાનમંત્રી કિયર સ્ટાર્મરે સપ્ટેમ્બરમાં ફિલિસ્તીનને માન્યતા આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ફિલિસ્તીનના મુદ્દે ફ્રાંસ, બ્રિટેન અને કેનેડાના એકસાથે આવવાથી G-7ના ત્રણ મહત્વપૂર્ણ દેશો એક તરફ થઈ ગયા છે.

Advertisement

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું કે કેનેડા 23 સપ્ટેમ્બરે શરૂ થનારી યુએન મહાસભામાં ફિલિસ્તીનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવા માટે પગલાં લેશે. જોકે, તેમણે કેટલીક શરતો પણ મુકીછે — જેમ કે, ફિલિસ્તીને 2026માં સામાન્ય ચૂંટણી કરાવવી પડશે અને તેમાં હમાસની ભૂમિકા ન હોવી જોઈએ. 2006 પછી ત્યાં ચૂંટણી થઈ નથી. સાથે જ હથિયારમુક્ત ફિલિસ્તીનની શરત પણ રાખવામાં આવી છે.

કાર્નીએ આ અંગે ફિલિસ્તીનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કરીને શરતો રજૂ કરી હતી, અને તેમના અનુસાર અબ્બાસે શરતોને સહમતિ આપી છે. માલ્ટાના વિદેશ મંત્રાલયના સ્થાયી સચિવ ક્રિસ્ટોફર કટાજારે જણાવ્યું હતું કે તેમનો દેશ પણ સપ્ટેમ્બરમાં ફિલિસ્તીનને ઔપચારિક માન્યતા આપશે. ખાસ વાત એ છે કે બ્રિટન અને કેનેડાએ માન્યતા આપવા માટે શરતો મૂકી છે. બ્રિટનનું કહેવું છે કે જો ઈઝરાયેલ હમાસ સાથે યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, તો તે ફિલિસ્તીનને સપ્ટેમ્બરમાં માન્યતા આપશે. કેનેડાએ ચૂંટણી અને હથિયારમુક્ત રાષ્ટ્રની શરત મૂકી છે. જ્યારે ફ્રાંસે કોઇ શરત વિના સપોર્ટ આપ્યો છે.

Advertisement

ફિલિસ્તીનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાની આ જાહેરાતોનો ઈઝરાયલ કડક વિરોધ કરી રહ્યુ છે. કેનેડાની જાહેરાત પછી ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે આ પગલું ગાઝા સંઘર્ષવિરામ અને બંધકોની મુક્તિ માટેની કોશિશોને નુક્સાન કરશે. ઈઝરાયલે આને પાખંડ અને સમયનો વેડફાટ ગણાવ્યો છે.

હાલ ફિલિસ્તીનને યુએનના 147 દેશોનું સમર્થન છે, છતાં તેને હજી સુધી અલગ દેશ તરીકે માન્યતા મળી નથી. 1970ના દાયકાથી ફિલિસ્તીન યુએનમાં માન્યતા મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. ગાઝામાં ઈઝરાઇલ અને હમાસ વચ્ચે છેલ્લાં લગભગ બે વર્ષથી ચાલતા યુદ્ધમાં અત્યાર સુધીમાં 60 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. અહિંયાં ખાદ્યસંકટ અને શરણાર્થી શિબિરો પરના હુમલાઓને કારણે ભારે માનવતાવાદી સંકટ ઊભું થયું છે. આ મુદ્દે ઈઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય દબાણ સતત વધી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement