ક્રિકેટ બાદ હવે ફુટબોલના મેદાનમાં પાકિસ્તાની ખેલાડીઓએ અયોગ્ય વર્તન, ભારતે જીતીને આપ્યો જવાબ
કોલંબો: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ માત્ર ક્રિકેટમાં જ નહીં, ફૂટબોલમાં પણ દેખાઈ રહ્યો છે. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપમાં ભારતીય અને પાકિસ્તાની ટીમો વચ્ચે કસોટી ભરપૂર મેચ રમાઈ હતી, જ્યાં પાકિસ્તાની ખેલાડીઓનું અણછાજતું વર્તન સામે આવ્યું હતું. જોકે, ભારતે મેચ જીતીને પાકિસ્તાનને મજબૂત જવાબ આપ્યો હતો.
મેચ દરમિયાન, ભારતીય ટીમે 21મી મિનિટમાં દાલ્લુમુઆન ગાન્ટે ગોલ કર્યો હતો. 12 મિનિટ પછી પાકિસ્તાનના મોહમ્મદ અબ્દુલ્લાએ સ્કોર 1-1 સાથે બરાબર કર્યો અને પછી ચા પીવાની નકલ કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. લોકોએ તેનું આ વર્તન ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથે જોડી દીધું, જેમને 2019માં પાકિસ્તાનમાં પૂછપરછ દરમિયાન ચા પીતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, પાકિસ્તાની ખેલાડીએ અભિનંદનની મજાક ઉડાવી છે અને આ વર્તન અયોગ્ય છે.
ભારતીય ટીમ મેચમાં ફરી લીડ મેળવવા માટે સક્રિય રહી. 63મી મિનિટે ગનલેબા વૈકેપમે ગોલ કરીને ભારતને આગળ લાવી. સાત મિનિટ પછી હમઝા યાસિરે પાકિસ્તાન માટે બરાબરી લાવી, પરંતુ ભારતે હાર માની નહોતી અને આખરે 3-2થી વિજય મેળવી લીધો. આ જીત સાથે ભારત ગ્રુપ બીમાં ટોચ પર રહ્યો અને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. પાકિસ્તાન સામે આ ભારતનો સૌથી મોટો જવાબ અને મેદાન પર મજબૂત પ્રદર્શન હતું.