છિંદવાડા બાદ હવે બૈતુલમાં કફસિરપ પીધા બાદ બે બાળકોના મોત, પરિવારજનોમાં આક્રોશ
બૈતુલઃ મધ્યપ્રદેશના છિંદવાડામાં “કોલ્ડરિફ” અને “નેક્સટ્રો-ડીએસ” કફ સિરપ પીધા બાદ 14 બાળકોનાં મોતનાં કેસ સામે આવ્યા બાદ હવે બૈતુલ જિલ્લામાં પણ બે માસૂમ બાળકોનાં મોતની ઘટના સામે આવી છે. પરિવારોનું કહેવું છે કે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી કફ સિરપ પીધા બાદ બાળકોની તબિયત બગડી ગઈ અને તેમની કિડની નિષ્ફળ થઈ ગઈ.
કલમેશ્વરા ગામના ખેડૂત કૈલાશ યાદવે જણાવ્યું કે, તેમના ચાર વર્ષના પુત્ર કબીરને સર્દી-ઉધરસ થતાં ડૉક્ટર પ્રવીણ સોનીએ “કોલ્ડરિફ” કફ સિરપ સહિત ત્રણ દવાઓ આપી હતી. ચાર દિવસ સુધી દવા આપ્યા બાદ બાળકની તબિયત ખરાબ થવા લાગી અને મૂત્ર આવવાનું બંધ થઈ ગયું. ત્યારબાદ કબીરને ભોપાલના હમીદિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું. કૈલાશે જણાવ્યું કે તેમણે દીકરાના ઉપચારમાં આશરે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને ત્રણ એકર જમીન ગીર્વે મૂકી છે. તેમણે વ્યથિત સ્વરે કહ્યું કે, “ડૉક્ટર અને દવા કંપનીની બેદરકારીથી મારો દીકરો અને જમીન બન્ને ગુમાવી દીધી.”
આ જ રીતે જામુન બિછુવા ગામના નીખલેશ ધુર્વેના અઢી વર્ષના પુત્ર ગરમિતનું પણ સારવાર દરમિયાન મોત થયું. પરિવારજનોનું કહેવું છે કે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી કફ સિરપ પીધા બાદ બાળકની તબિયત અચાનક બગડી ગઈ, મૂત્ર આવવાનું બંધ થઈ ગયું અને અનેક હોસ્પિટલોમાં સારવાર છતાં તેને બચાવી શકાયો નહીં.
બૈતુલના કલેક્ટર સુર્યવંશીએ જણાવ્યું કે બંને બાળકોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં થઈ નહોતી અને પ્રાથમિક તપાસમાં “કોલ્ડરિફ” સિરપનું વેચાણ બૈતુલ જિલ્લામાં નોંધાયું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે આરોગ્ય વિભાગને ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન શરૂ કરવાની સૂચના અપાઈ છે. રાજ્યભરમાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે, અને કફ સિરપના નમૂનાઓની તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.
(PHOTO-FILE)