એપીજે અબ્દુલ કલામ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફાઇટર જેટમાં ઉડાન ભરી
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરબેઝ પરથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. ભારતીય સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર મુર્મુએ 8 એપ્રિલ, 2023 ના રોજ આસામના તેઝપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ-30 ફાઇટર એરક્રાફ્ટ ઉડાડ્યું હતું. અગાઉ, રાષ્ટ્રપતિ હતા ત્યારે, એપીજે અબ્દુલ કલામે 8 જૂન, 2006ના રોજ સુખોઈ-30 MKI ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી અને પ્રતિભા પાટીલે 25 નવેમ્બર, 2009ના રોજ પુણે નજીક લોહેગાંવ એરફોર્સ સ્ટેશન પર ઉડાન ભરી હતી.
નોંધનીય છે કે ફ્રેન્ચ એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશન દ્વારા ઉત્પાદિત, રાફેલ ફાઇટર એરક્રાફ્ટને સપ્ટેમ્બર 2020 માં અંબાલાના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલ ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે 6-7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને ભારતીય લશ્કરી સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જવાબમાં ભારતે અનેક પાકિસ્તાની લશ્કરી ચોકીઓનો નાશ કર્યો. ચાર દિવસની લડાઈ પછી, ભારતે પાકિસ્તાનની વિનંતી પર 10 મેના રોજ લશ્કરી કાર્યવાહી સ્થગિત કરી દીધી.