અમેરિકા બાદ હવે મેક્સિકોએ એશિયન દેશોના 1400 જેટલા ઉત્પાદનો પર 50 ટકા સુધીની આયાત ડ્યૂટી લગાવી
મેક્સિકોએ એશિયામાંથી આયાત થતી અનેક વસ્તુઓ પર ભારે નવા ટેરિફ લગાવી દીધા છે, જે તેના લાંબા સમયથી ચાલી રહેલા મુક્ત-વ્યાપાર વલણથી એક મોટો નીતિગત બદલાવ છે. આ આકરા પગલાથી પ્રભાવિત થનારા મુખ્ય નિકાસકાર દેશોની યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, મેક્સિકોની સિનેટે નવી શુલ્ક વ્યવસ્થાને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત તે દેશોમાંથી આયાત થતા 1400થી વધુ ઉત્પાદનો પર શુલ્ક વધારી દેવાયું છે, જેમની સાથે મેક્સિકોનો કોઈ ઔપચારિક વ્યાપાર કરાર નથી. કેટલાક કેસોમાં આ શુલ્ક 50 ટકા સુધી પણ હોઈ શકે છે. લક્ષિત દેશોની યાદીમાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.
મેક્સિકોની સંસદના ઉપલા ગૃહ (સિનેટ) એ 76 મતોની બહુમતીથી આ બિલ પસાર કરી દીધું છે, જેમાં 5 વિરુદ્ધ મતો અને 35 ગેરહાજર સભ્યોનો સમાવેશ થાય છે. નીચલા ગૃહ એ આ પ્રસ્તાવને અગાઉ જ પાસ કરી દીધો હતો. આ નવા દર આવતા વર્ષથી શરૂ થઈને 2026 સુધી લાગુ રહેશે. આ નિયમો ઔદ્યોગિક ઇનપુટ અને ગ્રાહક વસ્તુઓની વિશાળ શ્રેણી પર લાગુ થશે, જેમાં મુખ્યત્વે ઓટોમોબાઇલ અને તેના પાર્ટ્સ, ટેક્સટાઇલ, કપડાં, પ્લાસ્ટિક, ધાતુ અને ફૂટવેરનો સમાવેશ થાય છે. અમુક પસંદગીની વસ્તુઓ પર મહત્તમ 50 ટકા શુલ્ક લાગશે, જ્યારે મોટા ભાગના ઉત્પાદનો પર 35 ટકા શુલ્ક લાગુ થવાની અપેક્ષા છે. ભારત, જે લેટિન અમેરિકામાં કાપડ, ઓટો પાર્ટ્સ અને એન્જિનિયરિંગ સામાનની નિકાસ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, તે હવે મેક્સિકોના બજારમાં પ્રવેશવા માટે વધુ પડકારજનક સ્થિતિનો સામનો કરશે. મેક્સિકો લેટિન અમેરિકાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને ઉત્તર અમેરિકા (NAFTA)નું એક મુખ્ય પ્રવેશદ્વાર છે.
આ ટેરિફ વધારાથી ભારતીય નિકાસકારોને અસર થવાનો ભય છે. ટેક્સટાઇલ, લેધર ગુડ્સ, ઓટો પાર્ટ્સ અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં ભારતની સ્પર્ધાત્મકતા ઘટી શકે છે. જે ભારતીય કંપનીઓ મેક્સિકોના માર્ગે ઉત્તર અમેરિકામાં સામાન સપ્લાય કરે છે, તેમની કુલ પડતર વધી જશે, જેનાથી નફો ઘટશે. આયાત પર નિર્ભર ઘણા મેક્સિકન ઉત્પાદકોએ સરકારને ચેતવણી આપી છે કે ઊંચા ટેરિફને કારણે ઉત્પાદન ખર્ચ વધશે અને ફુગાવો પણ ઝડપથી વધશે. વિશ્લેષકો માને છે કે મેક્સિકો દ્વારા અચાનક સંરક્ષણવાદી વલણ અપનાવવું એ આગામી વર્ષે થનારા USMCA (અમેરિકા-મેક્સિકો-કેનેડા સમજૂતી)ની સમીક્ષા પહેલાં અમેરિકાના દબાણ સાથે જોડાયેલું છે.
એવું માનવામાં આવે છે કે પ્રમુખ ક્લાઉડિયા શિનબામની સરકાર ચીની વસ્તુઓ પર વોશિંગ્ટનના કડક વલણ સાથે તાલ મિલાવવાનો સંકેત આપી રહી છે, જેથી મેક્સિકોને અમેરિકા દ્વારા તેના નિકાસો (જેમ કે સ્ટીલ અને એલ્યુમિનિયમ) પર લગાવવામાં આવેલા ભારે શુલ્કોમાં રાહત મળી શકે. જોકે, શિનબામના વહીવટીતંત્રે ટેરિફને અમેરિકન માંગણીઓ સાથે જોડવાનો ઇનકાર કર્યો છે. મેક્સિકોના નાણાં મંત્રાલયને આ નવા કરવેરાથી આગામી વર્ષે આશરે 52 અબજ પેસો (લગભગ રૂ. 19000 કરોડ)નું વધારાનું મહેસૂલ મળવાની અપેક્ષા છે.