12 વર્ષના લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો
મુંબઈઃ 12 વર્ષના લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા 3 ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ પણ બની ગઈ છે. રોહિત શર્મા અને કંપનીએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડનો ઘમંડ તોડ્યો અને તેમને 4 વિકેટથી હરાવીને ટ્રોફી જીતી લીધી છે.
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રવિવારે (9 માર્ચ) રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ જીત સાથે ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમે 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા અને મેચની સાથે ટ્રોફી પણ જીતી લીધી.
- ભારતની ઐતિહાસિક જીત
આ જીત ભારત માટે ખૂબ જ ખાસ છે કારણ કે તેણે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. અગાઉ 2002માં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારત સંયુક્ત વિજેતા બન્યું હતું, જ્યારે ટ્રોફી શ્રીલંકા સાથે વહેંચવાની હતી. તે પછી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમે 2013માં આ ખિતાબ જીત્યો અને હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ કમાલ થયો છે. આ સાથે જ રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતનો ત્રીજો કેપ્ટન બની ગયો છે.
- પ્રથમ વખત બન્યું આવું
ભારત ત્રણ વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર પ્રથમ દેશ બન્યો છે. અત્યાર સુધી કોઈ ટીમ આ સિદ્ધિ મેળવી શકી નથી. ગાંગુલી, ધોની અને રોહિતની કપ્તાનીમાં ભારતે આ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
- ICC ટ્રોફીમાં ભારતનો દબદબો
ભારતની આ છઠ્ઠી ICC ટ્રોફી જીત છે. આ પહેલા ભારતે 1983માં ODI વર્લ્ડ કપ, 2007માં T20 વર્લ્ડ કપ, 2011માં ODI વર્લ્ડ કપ, 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં છેલ્લી વખત વેસ્ટ ઈન્ડિઝમાં ટીમ ઈન્ડિયાએ બારબાડોસમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. હવે રોહિતની કપ્તાનીમાં આ બીજું ICC ટાઇટલ છે.