અફગાનિસ્તાનનો પાકિસ્તાનને જવાબ: ખૈબર જિલ્લામાં ISISના ઠેકાણે ડ્રોનથી હુમલો
પાકિસ્તાન દ્વારા ટીટીપી પર ડ્રોન અને ફાઇટર જેટથી કરવામાં આવેલા હુમલાઓ બાદ અફગાનિસ્તાનએ હવે પાકિસ્તાનને સીધી ચેતવણી જેવી કાર્યવાહી કરી છે. તાલિબાન-સમર્થિત મીડિયા રિપોર્ટ મુજબ, બુધવાર સાંજના સમયે બે અજ્ઞાત ડ્રોનોએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ખૈબર જિલ્લામાં ISISના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. હુમલા સમયે ISISના અનેક ટોચના કમાન્ડર હાજર હતા, જેમાં અબ્ડુલ હકીમ તોહિદી, ગુલ નાજિમ, સાદિક યારનો સમાવેશ થાય છે. આ ત્રણેય અફગાનિસ્તાનની અંદર થયેલા અનેક આતંકી હુમલાઓ માટે જવાબદાર ગણાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હુમલા પછી કિલર ડ્રોનો સરળતાથી અફગાનિસ્તાનની અંદર પાછા વળી ગયા હતા.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે ગત રાતે આ વિસ્તારમાં અનેક ડ્રોનની હિલચાલ જોવા મળી હતી. હુમલા દરમિયાન પાકિસ્તાની સેનાએ હેવી મશીન ગનો વડે ડ્રોનને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. અફગાન ડ્રોન હુમલા પર હજી સુધી પાકિસ્તાની સરકાર અથવા સેનાએ કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. અલ-મિરશાદ (તાલિબાની મીડિયા) મુજબ ISISના આ આતંકીઓ ખૈબર અને ઓરકઝઈ વિસ્તારોના રહીશો હતા અને સ્થાનિક ISIS કમાન્ડર અબ્ડુલ મલિકના નજીકના સાથી હતા.
તાલિબાનનો દાવો છે કે, પાકિસ્તાન ISISના આતંકીઓને ટેકો આપે છે, જેથી તે અફગાનિસ્તાનની સરકાર પર દબાણ બનાવી શકે. તેમનો આરોપ છે કે પાકિસ્તાન ઇચ્છે છે કે તાલિબાન તેના માટે કામ કરે અને ભારત વિરુદ્ધ આતંકી હુમલાઓમાં મદદ કરે, પરંતુ અફગાનિસ્તાનએ સીધું કહી દીધું છે કે તે પાકિસ્તાન સામે ઝુકશે નહીં અને ભારત સાથેના સંબંધો મજબૂત કર્યા છે.